દાદરા નગર હવેલીમાં આ વખતે લોકસભા ચૂંટણીમાં ચતુષ્કોણીય જંગ જામ્યો છે. ત્યારે આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભુ ટોકીયાએ પત્રકાર પરિષદ યોજી ભાજપ, શિવસેના અને અપક્ષ પાર્ટીના ઉમેદવારો પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. આ તમામ લોકો સંઘપ્રદેશની જનતાને ગુમરાહ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
પ્રભુ ટોકીયાએ અપક્ષના નેતાઓ પર કર્યા આકરા પ્રહારો પ્રભુ ટોકીયાએ અપક્ષ ઉમેદવાર મોહન ડેલકર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, તે નગરપાલિકા વિસ્તારમાં પ્રચાર કરવા જાય છે ત્યારે કહે છે કે, અમે ભાજપ સાથે જોડાઈશું અને ગ્રામ્ય વિસ્તારમાં જાય છે ત્યારે કહે છે કે, અમે કોંગ્રેસમાં જોડાઇશું. જે લોકોને પોતાના ચોક્કસ સ્ટેન્ડની ખબર નથી, તે અપક્ષ ચૂંટણી લડીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે. સરકારી કોન્ટ્રાક્ટની વાત હોય કે નગરપાલિકા વિસ્તારના તોડફોડની કે પંચાયતમાં આવતા વિસ્તારમાં ગૌચર અને ગ્રામ તળજમીનની દબાણની વાત હોય આ તમામ મુદ્દે આ નેતાઓ હંમેશા ચૂપ રહ્યા છે.અપક્ષ ઉમેદવાર મોહન ડેલકર પર તેમણે આક્ષેપ કર્યો હતો કે, જેણે વિપક્ષ તરીકે ક્યારેય આ વિસ્તારના લોકોને થતા અન્યાય મુદ્દે અવાજ નથી ઉઠાવ્યો, તે લોકો અપક્ષ તરીકે ચૂંટણી જીતીને આ વિસ્તારમાં વિધાનસભા લાવવાની વાત કરે છે, રોજગારી આપવાની વાત કરે છે. આ અપક્ષ ઉમેદવાર કયા પક્ષના જોરે અથવા કઈ સત્તાના જોરે આ વિસ્તારમાં વિધાનસભા લાવશે અને લોકોને બેરોજગારી ભથ્થું ચૂકવશે? એવી કઈ મજબૂરી હતી કે કોંગ્રેસ છોડીને તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવી પડી?
પ્રભુ ટોકિયાએ ભાજપના સાંસદ નટુ પટેલ પર આક્ષેપ કર્યો હતો કે, આટલા વર્ષો સુધી પ્રદેશના હિત માટે અવાજ ઉઠાવ્યો નથી અને હવે ચૂંટણી આવી એટલે તેઓ આ બધા વાયદા કરે છે. જો અમે આ ચૂંટણી જીતીશું તો તમામ મુદ્દે અવાજ ઉઠાવીશું અને દરેક મુદ્દાના નિરાકરણ સાથે આ પ્રદેશમાં ખુશહાલી બહાલ કરશું તેવો વિશ્વાસ પ્રભુ ટોકીયાએ વ્યક્ત કર્યો હતો.