છોટાઉદેપુરઃ આદિવાસી સંસ્કૃતિનો અમૂલ્ય વારસો એટલે પીઠોરા ભીંતચિત્રો. જો કે આ ભીંતચિત્રો વાસ્તવમાં ચિત્રો નથી પણ પ્રાચીન લિપિ છે. આ ચિત્રો લિપિમાં લખવામાં(દોરવામાં) આવ્યા છે. જે આદિવાસી સંસ્કૃતિની સમૃદ્ધિ વર્ણવતી ગાથા છે. આ ચિત્રોને વાંચી પણ શકાય છે. જો કે બહુ જૂજ કલાકારો આ લીપી વાંચી, લખી કે આ લિપિમાં ચિત્રો બનાવી શકે છે. આ કળાને લુપ્ત થતી બચાવવા આ પીઠોરા લિપિમાં બનેલા ભીંત ચિત્રો છોટાઉદેપુરની દરેક સરકારી ઈમારતો પર અંકિત કરવામાં આવ્યા છે.
પીઠોરા ચિત્રોનું ધાર્મિક મહત્વઃ હિન્દુ ધર્મમાં ગીતા, મુસ્લીમ ધર્મમાં કુરાન અને ખ્રિસ્તી ધર્મમાં બાઈબલનું જે મહત્વ છે તેટલું જ મહત્વ પીઠોરા ભીંતચિત્રોનું આદિવાસી સમાજમાં છે. આદિવાસી રાઠવા સમાજ અનાદિકાળથી પીઠોરા લીપીનો ઉપયોગ કરે છે. આ લીપીમાં દોરેલા ભીંતચિત્રોમાં પીઠોરા દેવના ગુણગાન કરવામાં આવ્યા છે. પીઠોરા દેવ આદિવાસી રાઠવા સમાજના ઈષ્ટ દેવ છે. હજારો વર્ષો પૂર્વે આ રીતે લીપીનો ઉપયોગ કરીને ચિત્રકામ કરનાર આદિવાસીઓની પ્રતિભા કેટલી હશે તે જ કલ્પનાનો વિષય છે?
5000 વર્ષ જૂની કળાઃ છોટાઉદેપુરના તેજગઢના કોરાજ ગામ પાસે ડુંગરોની પાછળ અછાલા ગામ આવેલ છે. આ અછાલા ગામની ગુફાઓમાં 5000 વર્ષ જૂના પીઠોરા લીપીમાં દોરવામાં આવેલા ભીંતચિત્રો જોવા મળે છે. તે સમયે આદિવાસીઓના એક સમૂહ શિકાર કરવા કઈ દિશામાં ગયા છે તેની જાણકારી અન્ય સમૂહને મળી રહે તે માટે પીઠોરા લિપિમાં પથ્થર પર ચિત્રો દોરવામાં આવતા હતા. આ ઉપરાંત આ ચિત્રોની લિપિ હંમેશા કંઈક ચોક્કસ સૂચન કરતી હોય છે. જેમાં પીઠોરા દેવના પ્રતિક સમાન ઘોડાની આકૃતિ હોય છે પછી આદિવાસી નર નારીના ચિત્રો હોય છે. જો દિવસની ઘટનાનું ચિત્ર હોય તો તેમાં સૌથી ઉપર સૂરજ હોય છે. જ્યારે રાતને દર્શાવવા માટે તેમાં સૌથી ઉપર ચંદ્ર હોય છે. આ પરથી જ કહી શકાય કે આ માત્ર સામાન્ય ચિત્ર કળા નથી પરંતુ એક લિપિ છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર આ પીઠોરા લીપી લુપ્ત થાય નહિ તે માટે પ્રયત્નશીલ છે. સરકાર દ્વારા આ લિપિની તાલીમ 30 જેટલા વિદ્યાર્થીઓને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ છોટાઉદેપુર જિલ્લામાં 50 જેટલા પીઠોરા લખારાઓ છે. જેઓ આ ચિત્રોને લખીને આ કળાને જીવંત રાખી રહ્યા છે. મારું એક પીઠોરા પેન્ટિંગ પેરિસના મ્યૂઝિયમમાં પણ મુકવામાં આવ્યું છે... પદ્મશ્રી પરેશ રાઠવા(પીઠોરાના લખારા, છોટાઉદેપુર)
લખવામાં આવે છે પીઠોરા ભીંતચિત્રોઃ પીઠોરા આદિવાસી સમાજના ઈષ્ટ દેવ છે. તેથી આદિવાસી લોકો ઘરની ઓસરીમાં પીઠોરા ભીંતચિત્રો દોરાવે છે. જો કે આ લીપી હોવાથી આ ચિત્રો દોરવામાં આવ્યા તેમ નહિ પણ લખવામાં આવ્યા તેમ બોલાય છે. આ ચિત્રોમાં કુદરતના અનેક તત્વોને આવરી લેવામાં આવે છે. આ ચિત્રોની ભાષા તેમના ઈષ્ટદેવ સમજી લે છે તેવી પણ માન્યતા આદિવાસીઓમાં પ્રવર્તમાન છે. પીઠોરા ચિત્રોમાં વિવિધ વિષયોને આવરી લેવાય છે. જેમાં ખેતર ખેડતા ખેડૂત, કુવામાંથી પાણી ભરતી પનિહારીઓ, તાડી પાડતા લોકો, મહુડાનો અર્ક બનાવતા વેપારીઓ અને કામસૂત્રના કેટલાક આસનો પણ પીઠોરાના ભીંતચિત્રોમાં જોવા મળે છે.
વિવિધ ઉત્સવોઃ આદિવાસીઓ પ્રકૃતિના પૂજક હોવાથી આજે પણ 2થી 3 લાખ રુપિયાનો ખર્ચ કરીને પીઠોરા પાંણગાનો ઉત્સવ ઉજવે છે. જેથી તેમનું આરોગ્ય સારુ રહે, તેમના ઘરમાં સુખ શાંતિ રહે અને સમૃદ્ધિ ટકી રહે. આજે પણ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામોમાં ઈંદ, પાનગુ, જુવારિયો ઈંદ, પેઢી બદલવાનો ઈંદ જેવા કુદરતી તત્વોની પૂજા કરતા પ્રાચીન તહેવારો પરંપરાગત રીતે ઉજવાય છે.