- સુખી, સિંચાઈ ડેમની કેનાલમાં પાણી લીકેજ થતા જગતનો તાત પરેશાન
- કેનાલમાંથી પાણી લીકેજ થતા પાણીનો પુષ્કળ પ્રમાણમા વેડફાટ
- અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં
છોટાઉદેપુર: જિલ્લાના સૌથી મોટા સુખી સિંચાઇ ડેમની કેનાલોમાં કેટલીક જગ્યાએ તીરાડો પડી જતાં જે પાણી ખેડૂતોના ખેતર સુધી પહોચવું જોઈએ તે પાણી કોતરોમાં વહી રહ્યું છે. જેને લઈ કેટલાક ખેડૂતો સિંચાઇના પાણી માટે વલખાં મારી રહ્યા છે. અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.
ડેમ બનતા પીવાના પાણી અને ખેડૂતો સિંચાઇના પાણીની સમસ્યાનું નિવારણ
વર્ષો પહેલા છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા હતી. જે સમસ્યાના નિવારણ માટે પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામ ખાતે 1987માં સુખી સિંચાઇનો ડેમ બનાવવામાં આવ્યો હતો. સુખી સિંચાઇનો ડેમ બનાવવામાં આવતા છોટાઉદેપુર, પાવીજેતપુર અને સંખેડા તાલુકાના 92 ગામોની 17094 હેક્ટર અને પંચમહાલ જિલ્લાના હાલોલ, અને જાંબુઘોડા તાલુકાના 39 ગામોના 3607 હેક્ટર જમીનમાંના જમણા કાંઠા અને ડાબા કાંઠા આમ બે ભાગના વિસ્તારોમાં સિંચાઇનો લાભ ખેડૂતોને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ડેમ બનતા પીવાના પાણી અને ખેડૂતો સિંચાઇના પાણીની સમસ્યાનું નિવારણ આવ્યું હતું. ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતા ખેતી ખેડૂતો સુખી થયા હતા. કેનાલોમાં ઠેર-ઠેર તિરાડો પડતા પાણીનો વેડફાટ થયો હતો.
કેનાલોમાં મરામતના અભાવે હવે ઠેર-ઠેર તીરાડો
કેનાલોમાં મરામતના અભાવે હવે ઠેર-ઠેર તીરાડો પડી ગઈ છે. જેને લઈ કેનાલો માંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જે પાણી ખેતરોમાં પહોંચવું જોઈએ તે પાણી કોતરોમાં વહી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા કેનાલોમાં ભરપૂર પાણીનું વહન તો થઈ રહ્યું છે તો કેટલાક વિસ્તારોમાં પાણી આજે પણ પહોચતું નથી. ડેમમાં પાણી છોડતા જે ખેડૂતોએ રવી પાકનું વાવેતર કર્યું છે તે ખેડૂતોને પણ સતત ડર સતાવી રહ્યો છે. જે કેનાલ ખેતરો નજીકમાંથી પસાર થઈ છે તેમાં અચાનક તિરાડ કે ગાબડું પડશે તો તેમની કરેલી ખેતીમાં પાણી ભરાઈ થશે અને પાકને નુકસાન થશે. ખેતર સુધી પાણી આવી રહ્યું છે તેની પર સતત તેમને નજર રાખવી પડે છે અને પાણી ખેતર સુધી પહોંચે તો તરત તેને અન્ય દિશામાં પાણીને વાળવું પડે છે.