છોટાઉદેપુરઃ બોડેલીમાં નકલી પ્રયોજના કચેરી ખોલીને કૌભાંડ કરવામાં આવ્યું છે. આ સમાચારથી સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી હતી. આ કૌભાંડમાં વધુ ઘટસ્ફોટક માહિતી જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સમાં આપી છે. આ નકલી કચેરી કૌભાંડમાં 2016થી અત્યાર સુધી કુલ 21.15 કરોડ રુપિયાનું કૌભાંડ થયું છે. આ સમગ્ર કૌભાંડમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરીને તેમની આગળની પુછપરછ માટે રીમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.
કુલ 10 આરોપીની ધરપકડઃ છોટાઉદેપુરના બોડેલી ખાતે તા.26-10-2023ના રોજ નકલી પ્રયોજના કચેરી અંગે પોલીસ ફરિયાદ થઈ હતી. પોલીસે આ ફરિયાદમાં 4 સરકારી કર્મચારીઓ સહિત કુલ 7 આરોપીની ધરપકડ કરીને 4.15 કરોડ રુપિયાનું કૌભાંડ ઝડપી લીધું હતું. આ સમયે દાહોદ પ્રયોજના કચેરીમાં કૌભાંડની માહિતી સામે આવતા દાહોદ પોલીસે પણ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં પૂર્વ આઈએએસ બી.ડી. નિનામા સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર અબુ બકર સૈયદ, તેનો ભાઈ એઝાઝ સૈયદની ધરપકડ કરી છે જ્યારે પૂર્વ પ્રયોજના અધિકારી વી. સી. ગામિતે કોર્ટમાં સરન્ડર કર્યુ છે. આમ આ સમગ્ર કૌભાંડમાં સરકારી અધિકારીઓ સહિત કુલ 10 આરોપીઓને પોલીસ અત્યાર સુધી ઝબ્બે કરી ચૂકી છે. હવે પોલીસે આ આરોપીઓના રીમાન્ડ મેળવીને વધુ પુછપરછની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ સમગ્ર કૌભાંડમાં મોટી રકમ સામે આવવાની શંકા વ્યક્ત કરી છે.
નકલી કચેરી નકલી ઓર્ડરઃ આ સમગ્ર કૌભાંડમાં ગાંધીનગરથી સરકાર દ્વારા ઈશ્યૂ ન થયેલ એક નકલી સરકારી ઓર્ડરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નકલી ઓર્ડરથી બેન્કમાં ખાતા ખોલવામાં આવ્યા હતા. અત્યાર સુધી અલગ અલગ બેન્કમાં કુલ 94 બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જેમાંથી પોલીસે 3 કરોડ 17 લાખ રુપિયા સીઝ કર્યા છે. તેમજ 4 લાખ જેટલા રોકડા રુપિયા પણ પોલીસે હસ્તગત કર્યા છે. આરોપીઓ પૈકી એઝાઝ હુસેનના ફાર્મહાઉસ પરથી હાર્ડ ડિક્સ પણ પોલીસે કબ્જે કરી છે. પોલીસ અત્યારે કુલ 5 નકલી કચેરીઓ ક્યાં ક્યાં ખોલીને કૌભાંડ આચરવામાં આવ્યું છે તેની તપાસ કરી રહી છે.
છોટાઉદેપુરના બોડેલી ખાતે નકલી પ્રયોજના કચેરી ખોલીને આરોપીઓ દ્વારા 2016થી અત્યાર સુધી કુલ 21.15 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. પોલીસે બે પૂર્વ પ્રયોજના અધિકારી સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ આ આરોપીઓના રીમાન્ડ મેળવી ચૂકી છે અને હજુ વધુ પુછપરછ હાથ ધરી રહી છે...આઈ.જી. શેખ(જિલ્લા પોલીસ વડા, છોટાઉદેપુર)