છોટાઉદેપુર : જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ બાબતે હક અથવા ન્યાય જોઈએ ત્યારે તે અદાલતમાં જાય છે, કારણ કે તેને વિશ્વાસ છે કે ન્યાયમંદિરમાં તેને ન્યાય મળશે. છોટાઉદેપુરના બોડેલી એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના એક ચુકાદાએ આ વિશ્વાસને વધુ મજબૂત કરવાનું કામ કર્યું છે. હત્યાના કેસમાં કોર્ટે એક સાથે 11 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવીને મૃતકના પરિજનોને ન્યાય આપ્યો હતો. જાણો સમગ્ર મામલો
2018 હત્યાકાંડ : આ કેસ અંગે સરકારી વકીલના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના રાયપુર ગામે વર્ષ 2018 માં 16 જૂનના રોજ ખેતરમાં ભેલાણ કરવા બાબત બારીયા વિનોદભાઈ નરસિંહભાઈએ આરોપી બારીયા છગનભાઈ નરસિંહભાઈને ઠપકો આપ્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખી છગનભાઈએ અન્ય 12 લોકો સાથે મળીને વિનોદભાઈ ઉપર લોખંડની પાઇપ તથા જીવલેણ હથિયારથી હુમલો કર્યો હતો.
13 આરોપી સામે ફરિયાદ : મૃતકના પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિને ઘરમાંથી ખેંચીને બહાર લઈ ગયા હતા. અને ત્યાં તેમના પર જીવલેણ હુમલો કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ બનાવમાં વિનોદભાઈ ગંભીર રીતે ઘવાયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન જ વિનોદભાઈનું મોત નીપજ્યું હતું.
પોલીસ તપાસ : આ અંગેની વિનોદભાઈની પત્નીએ સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સંખેડા પોલીસે IPC કલમ 147, 148, 149, 294, 302(ખ), 452 અને 506 મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.
કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : આ અંગેનો કેસ બોડેલી ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટના જજ અંદલીત તિવારીની કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં મજબૂત પુરાવા તેમજ સરકારી વકીલ રાજેન્દ્ર પરમારની દલીલને ગ્રાહ્ય રાખી કુલ 11 આરોપીઓને આજીવન કેદની સજા તેમજ દરેકને 11 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
11 આરોપીને આજીવન કેદ : આ અંગે સરકારી વકીલ રાજેન્દ્ર પરમાર જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં આ પહેલો બનાવ છે કે જે કેસમાં એક સાથે 11 આરોપીને સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં કોર્ટે દલીલોને ગ્રાહ્ય રાખી 13 પૈકી 11 આરોપીને સજા આપી છે, જે સમાજમાં દાખલા રૂપ છે. અન્ય બે આરોપીમાં એક બાળ આરોપી અને એક આરોપીનું અવસાન થયું છે.
પીડિતને મળ્યો ન્યાય : આ અંગે મૃતકના પત્ની મીનાબેન બારીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2018 માં 13 આરોપીઓએ મારા પતિને સાપને મારે એમ લાકડી વડે મારીને ખૂન કર્યું હતું. મેં પાંચ વર્ષ કોર્ટમાં હાજર રહી ન્યાય માગ્યો અને આજે કોર્ટે મને ન્યાય આપ્યો છે એટલે કોર્ટેનો આભાર માનું છું.