છોટાઉદેપુર: સંખેડા તાલુકાના કોસિન્દ્રા ગામની શ્રી ટી વી વિદ્યાલયમાં અભ્યાસ કરતી 6 વિદ્યાર્થિનીઓની ચાલુ વાહને છેડતી કરવાના કિસ્સામાં પોલીસે 5 બદમાશ આરોપીની ધરપકડ કરી છે. આ વિદ્યાર્થિનીઓ હાઈસ્કૂલમાંથી છુટીને પોતાના ઘરે કુંડીયા ગામે આવવા માટે નીકળી હતી ત્યારે ખાનગી પીક અપ જીપમાં તેઓ બેસી હતી, જોકે જીપની અંદર બેસેલા કેટલાંક બદમાશોએ તેમની છેડતી શરૂ કરતા વિદ્યાર્થિનીઓ ગભરાઈને પિક અપ જીપ માંથી કૂદી ગઈ હતી જેમાં બે વિદ્યાર્થિનીઓ ઘાયલ થઈ હતી.
5 બદમાશ ઝડપાયા, એક ફરાર: પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધીને આ મામલે ૬ આરોપીઓ પૈકી અશ્વિન ભીલ નામના આરોપીની સ્થળ પર જ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરેશ ભીલ, અર્જુન ભીલ, પરેશ ભીલ, શૈલેષ ભીલ, અને સુનીલ ભીલ ફરાર થઈ ગયા હતા. જેઓને પકડવા છોટાઉદેપુર પોલીસની અલગ-અલગ ટીમ ટીમ બનાવી આરોપીને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી હતી. હાલમાં પોલીસે પાંચ આરોપીની અટકાયત કરી છે તેમનું મેડિકલ ચેક અપ બાદ તેમની ધરપકડ કરવામાં આવશે. જયારે હજી એક આરોપી ફરાર છે તેને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
ફરાર 1 આરોપીને ઝડપવા કવાયત: આ અંગે સર્કલ ઇન્સ્પેક્ટર એસ.બી.વસાવાએ જણાવ્યું હતું કે, બનાવની ગંભીરતાને ધ્યાને રાખી 6 આરોપીઓ પૈકી એક આરોપીને ઘટના સ્થળે જ ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજા આરોપીને તેના ઘરે થી દબોચી લીધો અને ત્રણ આરોપીઓ સૌરાષ્ટ્ર બાજુ ફરાર થઇ ગયા હતા, તેઓને નસવાડી, સંખેડા અને બોડેલી એમ ત્રણ અલગ-અલગ પોલીસની ટીમ બનાવી ઝડપી લીધો હતો આમ કુલ પાંચ આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યાં છે. જોકે, હજી પણ એક આરોપી ફરાર છે તેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.