દહેગામ પાસે આવેલા નાંદોલ ગામમાં મંગળવારે બે લગ્નપ્રસંગ હતા. બંને લગ્ન પ્રસંગમાં ભોજન કર્યા બાદ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. ભોજન લીધા બાદ એક પછી એક લોકોને પેટમાં દુખાવાની અને માથામાં દુખાવાની ફરિયાદ ચાલુ થઇ હતી. ધીરે ધીરે ઝાડા ઉલટીની અસર થતા તમામ લોકો ખાનગી અને સરકારી દવાખાને સારવાર માટે ગયા હતા. આ ઘટનાની જાણ ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગને થતા બુધવારે તાબડતોડ પોતાના સ્ટાફ સાથે ગામમાં પહોંચી ગયું હતું અને દર્દીઓને તપાસ શરૂ કરી હતી.
ડો. તુલશ્યામે કહ્યું કે, ગામમાં બે જગ્યાએ લગ્ન પ્રસંગ હતો. જેમાં છાશ પીધા બાદ મોટા ભાગના લોકોને ઝાડા ઉલટી ની અસર થઈ હતી. અત્યાર સુધી 45 લોકોને સારવાર કરવામાં આવી છે. જ્યારે હવે આ બાબતે આજુબાજુમાં આવેલી નાસ્તાની લારીઓ સહિતની તપાસ કરી સેમ્પલ લેવામાં આવશે.
સ્થાનિક અશોક પટેલે કહ્યું કે, ગામમાં 200 કરતા વધુ લોકોને ઝાડા-ઊલટીની અસર થઈ છે. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગ પાણી વહી ગયા બાદ પાર બાંધવા નિકળું છે. ગામમાં 150 કરતા વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. હવે નાસ્તાની લારીઓ ઉપરના સેમ્પલ લેવાની વાતો કરી રહ્યુ છે.