ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, આ રણતિડથી બનાસકાંઠાના ખેડૂતોને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. રણતિડને નિયંત્રિત કરવા માટેની ટીમો પુરતા પ્રમાણમાં મૂકવામાં આવી નથી. જે વિસ્તારોમાં રણતિડ દ્વારા ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. તેનો સર્વે કરીને તમામ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ગેનીબેનએ વધુમાં ઉમેર્યું હતું કે, નાયબ મુખ્યપ્રધાને ખેડૂતો માટે નર્મદામાં પાણી છોડવાની વાત કરી હતી. પરંતુ હજુ સુધી નર્મદાનું પાણી છોડવામાં આવ્યુ નથી. તો બીજી તરફ વરસાદ પણ થયો નથી. તેના ઉપર આ રણતીડનું આક્રમણે આ વિસ્તારના ખેડુતોને ચિંતામાં મૂકયા છે. મુશ્કેલીમાં મુકાઇ ગયેલા બનાસકાંઠાના ખેડૂતોનો સર્વે કરીને ખેડૂતોને વળતર આપવાની મારી માગણી સંદર્ભે વળતરની ખાતરી પણ કૃષિપ્રધાને વિધાનસભામાં આપી નથી. તેમણે કહ્યુ કે, આ ગંભીર બાબત છે. ખેતીને વધુ નુકસાન થશે. રણતિડને સમયસર નિયંત્રીત કરવામાં સરકાર ઉણી ઉતરશે તો તમામ જવાબદારી સરકારની રહેશે.
વાવના ધારાસભ્યની સામે કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠાના ગામોમાં રણ તીડનો ત્રાસ વધી રહ્યો છે. રાજસ્થાન, બિકાનેર બાજુથી આ તીડ અંદર આવ્યા છે. 60 દેશો આ તીડથી પ્રભાવિત છે. ત્યારે 1993માં ગુજરાતમાં આ તીડનું આક્રમણ જોવા મળ્યુ હતું.
વર્લ્ડ કલાસ લેવલની સંસ્થા સાથે મળી કેન્દ્ર અને રાજ્ય સરકાર આના માટે કામ કરી રહી છે. ચોમાસામાં આ તીડની સંખ્યામાં વધારો જોવા મળે છે. ખેતીવાડી વિભાગના તમામ અધિકારીઓ કામ કરી રહ્યા છે. 3 દિવસમાં મોટા ભાગના ઝુંડનો નાશ કરવામાં આવ્યો છે. દવાનો છટકાવ સત્તત ચાલુ છે. પ્રભાવિત વિસ્તારોમાં તંત્ર દ્વારા કામગીરી ચાલુ છે.