બોટાદઃ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે. જયારે તેના પહેલા ખેડૂતો દ્વારા તંત્રએ આપેલી જગ્યા ઉપર મગફળી વેચવા માટેનું રજિસ્ટ્રેશન કરવાનું હોઈ છે. ત્યારે 1 ઓકટોબર 2020થી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે રજિસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવેલી છે. જેમાં બોટાદ જિલ્લામાં કુલ 4 તાલુકા હોવા છતાં એક માત્ર બોટાદ જિલ્લા APMCમાં મગફળી રજિસ્ટ્રેશન કેન્દ્ર શરૂ કરવામાં આવેલું છે.
ત્યારે ગુરુવારે સવારના 7 વાગ્યા થી આવેલા ખેડૂતોને 10 કલાક સુધી રજીસ્ટ્રેશન માટે બેસવું પડ્યું હતું. આ રજિસ્ટ્રેશન કરાવા માટે 500 જેટલા ખેડૂતો આવ્યા હતા. જેમાંથી દિવસ દરમિયાન માત્ર 7 લોકોનું જ રજીસ્ટ્રેશન થયુ છે, આથી ખેડુતોએ ટોકન પદ્ધતિ કરવાની માંગ કરી છે. ખેડૂતોના પ્રશ્નને લઈ જિલ્લા પુરવઠા અધિકારી એ.પી.એમ.સી દોડી આવ્યા હતા. મગફળી કેન્દ્રમાં કલાકો સુધી બેસવા છતાં રજિસ્ટ્રેશન ન થતાં ખેડૂતો પરેશાન થયા છે. જ્યાં રજિસ્ટ્રેશન માટે એક માત્ર કોમ્પ્યુટરની વ્યવસ્થા અને 10 કલાકમાં માત્ર 7 જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. અધિકારીઓ દ્વારા ખેડૂતોની સમસ્યાના નિરાકરણ માટે અલગ અલગ તાલુકા મથકે સેન્ટરો ખોલવામાં આવશે, તેમજ ખેડૂતો વધુ એકત્રિત ન થાય તેને ધ્યાને લઇ ટોકન સિસ્ટમ શરૂ કરવાની જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે.
બોટાદ APMCમાં મગફળી રજિસ્ટ્રેશન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. ત્યારે પહેલા દિવસે જ રજીસ્ટ્રેશન માટે ખેડૂતોનો સવાર થી ઘસારો થયો હતો. ખેડૂતોના કહ્યા મુજબ સવારે 7 વાગ્યા થી સાંજના 5 વાગ્યા સુધીમાં 400 થી 500 જેટલા ખેડૂતો આવીને પરત ગયા છે. તેમજ મોટા ભાગના ખેડૂતો સવારના 7 વાગ્યાથી લાઈનમાં બેઠા છે. પરંતુ રજીસ્ટ્રેશન માટે માત્ર એક કોમ્પ્યુટર હોવાના કારણે 10 કલાક બાદ માત્ર 7 લોકોનું રજિસ્ટ્રેશન થયું હતું. આ બાબતે સવારથી થયેલી હેરાન ગતિને લઈ ખેડૂતો દ્વારા કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી અને ખેતીવાડી સહિત તમામ અધિકારીઓને રજૂઆત કરવા છતાં સાંજ સુધી કોઈ અધિકારી ફરકયા ન હોવાથી ખેડૂતો હેરાન અને પરેશાન થયા હતા. ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સાંજના સમયે કેન્દ્ર પર મુલાકાત કરી ખેડૂતોની સમસ્યા સાંભળી ખેડૂતો સાથે વાત કરી તેઓની માંગણી મુજબ અલગ અલગ કેન્દ્રો ખોલવામાં આવશે, તેમજ કોરોના મહામારી વચ્ચે વધુ લોકો એકત્રિત ન થાય માટે ખેડૂતોની માંગણી મુજબ ટોકન સિસ્ટમ શરૂ કરવાની જિલ્લા પુરવઠા અધિકારી પી.એમ.રાઠોડ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.