બોટાદઃ ગઢડા 106 વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. મોહન સોલંકીએ મામલતદાર કચેરીમાં પોતાની ઉમેદવારી ફોમ ભરી જીતની આશા વ્યક્ત કરી હતી.
રાજ્યમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. બને પક્ષના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે, ત્યારે ગઢડા 106 વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીના નામની જાહેરાત બાદ આજે ગઢડા વિધાનસભા સીટ કોંગ્રેસના મુખ્યકાર્યાલયનું ઉદ્ઘાટન લુહાર સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુમમર, ધારાસભ્ય શલેશ ભાઈ પરમાર, રાજુભાઇ ગોહિલ, કનુભાઈ બારૈયા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા વશરામ ભાઈ સાગઠિયા, બોટાદ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર, ભાવનગર જિલ્લા પ્રમુખ પ્રવિણ ભાઈ રાઠોડ, બોટાદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિંમત ભાઈ કટારીયા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જ્યાં આ સભામાં મોહનભાઇ સોલંકીનું આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યાં સભા પૂર્ણ થયા બાદ મોહનભાઇ સોલંકીએ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોમ ભર્યું હતું અને પોતાની જીતની આશા વ્યક્ત કરી હતી.
ગઢડા કોંગ્રેસની 106 સીટના ઇન્ચાર્જ વિરજી ઠુમ્મર સાથે વાત કરતા ચૂંટણીની રણનીતિ સાથે પ્રચાર કરવામાં આવશે. સુરત ખાતે રહેતા મતદારો માટે 200 જેટલી બસોની વાતચીત કરવામાં આવી હતી. તમામ લોકો કોંગ્રેસને મત આપશે તેમ જણાવ્યુ હતુ.
ઇન્દ્રનીલ રાજ્યગુરુ માસ્ક વગર જોવા મળ્યા
ગઢડા ખાતે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કોંગ્રેસના નેતાઓની હાજરીમાં કરવામાં આવ્યુ હતુ, ત્યારે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરુ માસ્ક વગર જોવા મળ્યા હતા. જ્યાં સ્ટેજ પરના તમામ લોકોએ માસ્ક પહેર્યો હતા માત્ર ઇન્દ્રનિલ રાજ્યગુરુ માસ્ક વગર જોવા મળ્યા હતા, ત્યારે અહીં સવાલએ થાય છે કે, કેમ નેતાઓ માસ્ક નથી પહેરતા શુ તેમને નિયમો લાગુ નથી પડતા ?