- બગદાણામાં 3થી 6 ફેબ્રુઆરી સુધી જાહેર કરાયુ હતું એલર્ટ
- પ્રાણીઓના અવશેષો સાથે ઝડપાયા આરોપીઓ
- રેન્જ ફોરેસ્ટર દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
ભાવનગર: નાયબ વન રક્ષક બ્રુહદગીર વન્યપ્રાણી ટાસ્ક ફોર્સ જૂનાગઢ દ્વારા 3 ફેબ્રુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં તેમના કાર્યશેત્ર વિસ્તારમાં વન્યપ્રાણી સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે બહારના મજૂરો અને તેના પડાવોને ચેક કરવાની કામગીરીમાં મહુવાના બગદાણા ગામે 66 કેવી પાસે અને CHC સેન્ટર સામે આવેલા પડાવો અને તેની નજીકના રહેઠાણની ચકાસણી કરતા દંગામાંથી વન્યપ્રાણીઓના અવશેષો તથા વન્ય પ્રાણીઓને પકડવાના સામાન સાથે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા 4 આરોપીઓ પૈકી 1 આરોપી ફરાર થઈ ગયો હતો. જેમાં રામશી કરીમ પરમાર, ભાવસિંગ પરમાર, જીલું કરીમ પરમાર અને વજા હુસેન પરમારની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે માનભા દાદભા પરમાર ફરાર થઈ ગયો હતો.
શિયાળનો શિકાર કરવા બદ્દલ કરાઈ સજા
આરોપીઓના કબ્જામાંથી વન્યપ્રાણીઓના અવશેષો તથા વન્યપ્રાણીઓને પકડવાના ફાંસલાઓ મળી આવ્યો હતાં. આ અંગે આરોપીઓએ જણાવ્યું હતું કે, સદર અવશેષો શિયાળના છે. આ પ્રાણી અનુસૂચિ 2ના ભાગ2નું છે, જેથી તમામ આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની જોગવાઈઓ મુજબ ગુનો નોંધી અટક કરી JMFCની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવામાં આવ્યા હતાં. આગળની તપાસ રેન્જ ફોરેસ્ટર દ્વારા હાથ ધરાઈ છે.