ભાવનગર: ભાવનગર શહેર અને જિલ્લામાં બીજા દિવસે માવઠાએ તારાજી સર્જી હતી. શહેર અને જિલ્લામાં માવઠું ગાજવીજ અને વરસાદ સાથે આવ્યું હતું. ભારે પવનના પગલે અનેક નાના મોટા નુકશાન થયા હતા. બીજા દિવસે કમોસમી વરસાદે તોફાની પવન સાથે એન્ટ્રી મારી હતી. ભાવનગર શહેર અને જિલ્લામાં જેસર,ગારીયાધાર,સિહોર,મહુવા,પાલિતાણા જેવા પંથકમાં વરસાદ વીજળી અને પવનની તોફાની કમોસમી બેટીંગ જોવા મળી છે.

નુકશાન થવાની ભીતિ: ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભારે વાજડી જેવા પવનના કારણે રસ્તાઓ પાંદડા અને કચરાઓથી ભરાઈ ગયા હતા. રસ્તા પરના રાહદારીઓ વાહન લઈને નીકળવામાં ડરતા હતા. શહેરના વાઘાવાડી રોડ પર મેક્સ મોલનું હોર્ડિંગ નીચે ફેંકાઈ ગયું હતું. શહેરમાં હોલિકા દહન જોવાથી હોલિકાને તાલપત્રીથી ઢાંકવાનો સમય આવ્યો હતો. બીજી તરફ ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી. ખાસ કરીને જે પાક તૈયાર થવાનો છે એની સામે મોટું જોખમ ઊભું થયું હતું.

આ પણ વાંચો: PM Modi and PM Albanese: સ્ટેડિયમ પર બેસીને બંને PMએ મેચ નિહાળતાં ચા પર કરી ચર્ચા
સર્વત્ર વરસાદ: જેસર,પાલીતાણા,મહુવા,સિહોર,તળાજાના ગામડાઓમાં ભારે પવને જીરું,કપાસ,ડુંગળી જેવા પાકોને નુકશાન કર્યું હતું. પાક વરસાદ અને પવનના કારણે ઢળી પડ્યા હતા. પવનની આશરે ગતિ અંદાજે 35 km પ્રતિ કલાકથી વધુ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં જેસર તાલુકાના જેસર બોદર વાડી વિસ્તારમાં વિજળી પડી હતી. વીજળી એટલી તાકાતવર ફોટામાં દ્રશ્યમાન થાય છે કે 25 ફૂટ ઊંચા વૃક્ષની છાલ સંપૂર્ણ નીકળી ગઈ હતી.

વૃક્ષના કટકા થયા: વૃક્ષના ઉપરના ભાગથી બે ભાગ થઈ ગયા હતા. જો કે વાજડીમાં શહેર જિલ્લામાં વૃક્ષો પડ્યા હોવાની પણ માહિતીઓ સુત્રોમાંથી આવતી હતી. સમગ્ર જિલ્લામાં 11 mm વરસાદ નોંધાયો હતો. જ્યારે ભાવનગર અને અમદાવાદ હવામાન વિભાગનો ટેલિફોનિક સંપર્ક કરતા કોઈનો સંપર્ક થયો નૉહતો. જોકે, હવામાન વિભાગની આગાહી સાચી પુરવાર થઈ હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદને કારણે કેરીના પાક સામે મોટું જોખમ ઊભું થયું છે.