ભાવનગર : યુરોપ ખંડમાં સૌથી ઊંચો પર્વત એલ્બ્રુસ (Elbrus) છે. ત્યારે 50 વર્ષ વયની બે તબીબ મહિલાઓ એલ્બ્રુસ પર્વત સર કરીને આવ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે એલ્બ્રુસ સર કરવામાં તબીબ મહિલાઓએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. પરંતુ અંતે તેઓ એલ્બ્રુસ પર પહોચીને પોતાનું લક્ષ્ય પૂર્ણ કર્યું છે. આ બંને તબીબ ભાવનગર શહેરના રહેવાસી છે. યુદ્ધ વચ્ચે એલ્બ્રુસ પર્વત સર કરીને આવેલા બંને તબીબો સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી.
મક્કમ મહિલા ટ્રેકર : એલ્બ્રુસ પર્વત સર કરનાર બંને પર્વતારોહક ભાવનગર શહેરના મહિલા તબીબ છે. આ બંને મહિલાઓના નામ ડોક્ટર ડિમ્પલ મહેતા અને ડોક્ટર શિલ્પાબેન દોશી છે. ડિમ્પલબેન મહેતા 51 વર્ષના છે અને તેમના સાથી શિલ્પાબેન દોશી 54 વર્ષના છે. ડોક્ટર ડિમ્પલબેન મહેતા ગાયનેકોલોજીસ્ટ છે અને ડોક્ટર શિલ્પાબેન દોશી મેડિકલ કોલેજમાં એનેસ્થેસિયા વિભાગમાં ફરજ બજાવે છે.
રશિયા-યુક્રેન યુદ્ધ : આ બંનેએ યુરોપ ખંડનો એલ્બ્રુસ પર્વત સર કરવા માટેની વિચારણા કરી હતી. ત્યારે ચાલતા રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પર્વતારોહણ કરવું સહેલું નહોતું. આખા ઘરમાં પરિવારો સાથે વાટાઘાટો થઈ અને અંતમાં ઇન્કવાયરી કર્યા બાદ ટ્રેકિંગ માટે માર્ગ મોકળો હોવાનું નક્કી થયું હતું. આથી ડિમ્પલબેન મહેતા અને શિલ્પાબેને ભાવનગરથી સાત દિવસના ટ્રેકિંગમાં જવા માટે તૈયારી કરી લીધી હતી.
એલ્બ્રુસ પર્વત : આ અંગે ડો. શિલ્પાબેન દોશીએ માહિતી પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં સૌથી ઊંચા આવેલા માઉન્ટેનમાં યુરોપ ખંડનો સૌથી ઊંચો એલ્બ્રુસ માઉન્ટેન છે. એલ્બ્રુસ માઉન્ટેન રુસ અને જ્યોર્જિયાની બોર્ડર વચ્ચે આવેલો છે. આથી એલ્બ્રુસ જવા માટે રુસ થઈને જ જઈ શકાય છે. આમ ટ્રેકિંગનો પિરિયડ નક્કી થતાં ડોક્ટર ડિમ્પલ મહેતા અને ડોક્ટર શિલ્પાબેને 21 જુલાઇના રોજ ભારતમાંથી ઉડાન ભરી હતી.
માઉન્ટેન ટ્રેકિંગ શરૂ કરતાં અધવચ્ચે બરફનું તોફાન આવી પહોંચ્યું હતું. જેમાં પાંચ ફૂટે કોણ છે તે જોવું પણ મુશ્કેલ હતું. એક પગ મૂક્યા બાદ બીજો પગ મૂકવામાં સેકંડોનો સમય જતો હતો. જે રીતે ઊંચાઈ વધતી ગઈ તે રીતે શ્વાસ લેવામાં તકલીફ પડતી ગઈ. સૌથી વધારે કઠિન સ્થિતિ તે જ હતી. 23 જુલાઈએ ભાવનગરથી નીકળીને 27 જુલાઈની વહેલી સવારમાં એલ્બ્રુસ શિખર સર કર્યું હતું.-- ડૉ. ડિમ્પલબેન મહેતા (પર્વતારોહક, ભાવનગર)
ગાઈડ બન્યા દેવદૂત : રુસ પહોંચ્યા બાદ તેમને રશિયા-યુક્રેન યુદ્ધ પગલે મોસ્કોમાં સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ સામનો હતો કરન્સીનો જેમાં તેઓની પાસે ડોલર નાણાં હતા. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધને પગલે અન્ય દેશનું ચલણનો કોઈ સ્વીકાર કરતું નહોતું. ડો ડિમ્પલબેન મહેતાએ જણાવ્યું હતું કે, અમે બંને મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, બાદમાં તેનો રસ્તો નીકળ્યો હતો. બંને તબીબ મહિલાઓને રુસમાં ચલણી નાણાને પગલે થયેલી મુશ્કેલીમાં ગાઇડ દ્વારા રૂબેલ આપવામાં આવ્યા હતા. જોકે, બેંકમાં જઈને નાણા બદલવાનો સમય નહીં હોવાથી ગાઈડ દૂત બની ગયો હતો. ત્યારબાદ ટ્રેકિંગની શરૂઆત થઈ હતી.
કપરું ચડાણ : બરફથી થતી ઠંડીથી બચાવવા માટે ખાસ પહેરવેશ હોય છે. આ પહેરવેશ બંને મહિલાઓ માટે નવા હતા. બરફથી બચવાના પહેરવેશ પહેરીને કપરી ચડાઈની શરૂઆત કરી હતી. ડો શિલ્પાબેને જણાવ્યું હતું કે, આવો ટ્રેકિંગ સૂટ ક્યારેય પહેર્યો નહી હોવાથી ચાલવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. જોકે, ઓક્સિજનની અછતના પગલે વાતાવરણ સાથે તાલમેલ મેળવીને અંતે સાત દિવસ બાદ એલ્બ્રુસ શિખર સર કર્યું હતું.
વિકટ પરિસ્થિતિ : બરફના પ્રદેશમાં ચારે તરફ બરફ સિવાય કશું જોવા મળતું નથી. તેમાં પણ જ્યારે સૌથી ઊંચાઈ ધરાવતા બરફના પ્રદેશ ઉપર ચડાણ કરવાની હોય ત્યારે શરીરના તાપમાનને સાચવવુ ખૂબ જ જરૂરી બની જાય છે. ઉલ્લેખનિય છે કે, ડિમ્પલબેન મહેતાએ 2012માં ટ્રેકિંગની શરૂઆત કરી હતી. જ્યારે શિલ્પાબેન દોશીએ 2016 માં શરૂઆત કરેલી છે. આમ બંનેનો અનુભવ ઓછો હતો છતાં એલ્બ્રુસને સર કરવાના મિશનમાં શરીરના તાપમાનને સ્થિર રાખી ડ્રાયફ્રૂટ્સ ઉપર દિવસો વિતાવ્યા હતા.
પ્રેરણાદાયી કિસ્સો : રાત્રી રોકાણ પણ પર્વતમાં બરફની વચ્ચે કરવામાં આવતું હતું. આમ અનેક મુશ્કેલી વેઠીને ભારત દેશના ભાવનગર શહેરની બે તબીબ મહિલાઓએ પોતાની વય મર્યાદાને પાછળ રાખીને પણ યુરોપનો સૌથી ઉંચો પર્વત સર કરી બતાવ્યો હતો. આમ મન મજબૂત હોય તો મેરુ પર્વત પણ ડગી જાય તે કહેવતને સાબિત કરી બતાવી છે. હાલમાં આ બંને મહિલાઓનું સાહસ અન્ય લોકો માટે પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે.