ભાવનગરઃ શહેરથી થોડે દૂર આવેલા શામપરા ગામના પાદરમાં વહેતી નદીમાં બે સગીર વયના બાળકો અકસ્માતે ડૂબી જતાં પાલીવાળ બ્રહ્મ સમાજમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.
સમગ્ર કરુણાંતિકા અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાંખડાસર ગામના વતની અને હાલ સિદસર રોડ પર એન્જિનિયરિંગ કોલેજ તરફ જવાના રોડ પર રહેતા પલેવાળ બ્રાહ્મણ કાનજીભાઈ રમણા ગુરૂવારે બપોરના સુમારે તેના બે પુત્રો હર્ષ ઉ.વ 15 તથા આનંદ ઉ.વ.10 ને લઈને શામપરા ગામના પાદરમાં આવેલી માલેશ્રી નદીમાં પાણી જોવા તથા ફરવા માટે ગયાં હતાં. જયાં કાનજીભાઈના નાના પુત્રએ પાણી નિહાળી સ્નાન માટેની ઈચ્છા વ્યક્ત કરતાં પિતાએ પ્રથમ આનાકાની કરી હતી, જે બાદમાં છીછરા પાણીમાં ન્હાવા માટે મંજૂરી આપી હતી અને સાથે મોટો પુત્ર હર્ષને પણ મોકલ્યો હતો.
બંને પુત્રો નદીમાં સ્નાન કરી રહ્યાં હતાં અને પિતા કિનારે બેઠા હતા. તે વેળાએ નાનો પુત્ર આનંદ અચાનક પાણીનાં વહેણમાં ખેંચાઈને ઊંડા ઘૂંના તરફ જવા લાગતાં તેનો મોટો ભાઈ હર્ષ પણ તેને બચાવવા વળ્યો હતો, પરંતુ આ બંનેને તરતા આવડતું ન હોવાથી પિતાની નજર સામે જ ઊંડા પાણીમાં ગરકાવ થતાં હેબતાઈ ગયેલા પિતાએ દેકારો કરતાં નદી કિનારે પશુ ચરાવતા માલધારીઓ દોડી આવ્યા હતા.
જે બાદ બે યુવાનોએ પાણીમાં ઝંપલાવી ડૂબી ગયેલા બાળકોને બહાર કાઢયાં હતાં, પરંતુ બંને બાળકોના જીવ બચાવી શકયા ન હતાં, પિતાને પણ તરતા આવડતું ન હોવાથી નજર સામે ડૂબતા પુત્રોને બચાવી શકયા ન હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ-કાર્યવાહી પૂર્ણ કરી બંને કમનસીબ ભાઈઓના મૃતદેહને પીએમ માટે સર.ટી હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે, મૃતક હર્ષ જવાહર નવોદય વિધાલયનો આશાસ્પદ વિદ્યાર્થી હતો અને રાઈફલ શૂટિંગમાં દસ જેટલા મેડલ પણ મેળવ્યા હતા. બબ્બે કંધોતરને ક્રૂર કુદરત પોતાની નજર સામે જ ભરખી જતાં પિતા ભાંગી પડ્યાં હતાં. આ કરૂણ ઘટનાને પગલે સિદસર ગામ તથા પલેવાળ બ્રહ્મ સમાજમા ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.