ભાવનગર: જિલ્લાના કળસાર ગામમાં આવેલા સમુદ્રમાં ત્રણ યુવાનો નાહવા પડ્યા હતા. આ દરમિયાન પાણીના પ્રવાહમાં બે યુવાનો તણાઈ જતા મૃત્યુ થયા હતા. જ્યારે, અન્ય એક યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મહુવા તાલુકાના માળવાવ ગામમાં રહેતાં ત્રણ યુવાનો આજે જન્માષ્ટમી પર્વ પર મહુવા તાલુકાના જ કળસાર ગામે સમુદ્ર તટે ફરવા ગયાં હતાં. જેમાં આ ત્રણેય યુવાનો દરિયામાં નાહવા પડ્યા હતા. પરંતુ આ યુવાનોને તરતાં આવડતું ન હોવાથી સમુદ્રના પ્રવાહમાં તણાવા લાગ્યાં હતાં. જેમાં એક યુવાન જેમતેમ કરીને કિનારે ઢસડાઈ આવ્યો હતો. જો કે બાકીના બે યુવાનો ઊંડા પાણીમાં ગરક થઈ જતાં મોતને ભેટ્યા હતાં.
આ ઘટનાની જાણ કળસારના ગ્રામજનો તથા મહુવા પોલીસને થતાં કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.