ભાવનગરઃ શહેરમાં નવા મ્યુનિસિપલ કમિશનરે આવતાં વેંત જ નવા નવા ફેરફાર કરાતા ફફડાટ ફેલાયો છે. તેવામાં હવે આ કમિશનર સામે વેરા વસૂલવાનો સૌથી મોટો પડકાર છે. કારણ કે, શહેરમાં નવા 5 ગામ ભેળવી દેવાયા છતાં આજે પણ જૂની લેણી રકમ 60 કરોડ, જે આજે વ્યાજ સાથે 180 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. શહેરનો નકશો બદલી શકે તેવી રકમ બાકી લેણદારો પાસેથી લેવામાં મહાનગરપાલિકાના 27 વર્ષના શાસનમાં શાસકો નિષ્ફળ રહ્યા છે. ત્યારે હાલમાં આવેલા કમિશનરે કડક કાર્યવાહી કરતા અપેક્ષા શાસકના બદલે વિપક્ષ રાખી રહ્યું છે.
આ પણ વાંચો Union Budget 2023 : બજેટમાં કરવેરા અને અન્ય ટેક્સને લઈને AMC વિપક્ષનો વિરોધ
મહાનગરપાલિકાએ અલગ અલગ ટીમો બનાવીઃ શહેરમાં કરવેરા માટે મહાનગરપાલિકાએ અલગ અલગ ટીમો બનાવી છે, પરંતુ ભાવનગરમાં વર્ષોથી વેરો નહીં ભરનાર લોકોની રકમ વ્યાજ સાથે ત્રણ ગણી થઈ ગઈ છે. આ રકમથી શહેરનો વિકાસ થાય તો શકલ બદલાય જાય તેમ છે. જોકે, શાસક આ મુદ્દે બોલવા તૈયાર નથી. ત્યારે વિપક્ષે કમિશ્નરની અન્ય કાર્યવાહીને પગલે બાકી કરોડોની લેણી રકમ ઉઘરાવવા હાંકલ કરી છે. જાણો કેટલી રકમ.
મહાનગરપાલિકાએ કરવેરામાં એક્શન શરૂઃ મહાનગરપાલિકાના કમિશનરે કરવેરા વિભાગને પણ જાગૃત કરીને વેરો વસૂલવા આદેશ કર્યા છે. સાથે જ અલગ અલગ ટીમો બનાવીને વસુલાત થઈ રહી છે. મહાનગરપાલિકાના કમિશનર એન. વી. ઉપધ્યાયે જણાવ્યું હતું કે, આપણે ત્યાં 2 પ્રકારના વેરા હોય છે. એક હાલનો વેરો અને એક જૂનો વેરો. આપણે પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ઝોનમાં ટીમો બનાવીને કાર્યરત્ કરી છે. રહેણાંક મકાનોમાં ક્યારેક વેરો મળે છે ક્યારેક નથી મળતો.
આ પણ વાંચો Ban on Plastic: અમદાવાદ શહેરમાં પેપર કપ બાદ પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ
રહેણાક વિસ્તારમાં કાર્યવાહી કરાશેઃ તેમણે ઉમેર્યું હતું કે, કોમર્શિયલમાં આપણે સિલ મારીએ છીએ. જ્યારે આપણો કુલ 139 કરોડ રૂપિયાનો વેરો હોવાથી તેમાંથી 130 કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે. તો છેલ્લા 7 દિવસમાં 3 કરોડ અને 31 જાન્યુઆરી સુધીમાં 130 કરોડ કુલ વેરો આવ્યો છે. જ્યારે જૂનો વેરો ભરવામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે, લોકો ભરે. એ માટે આગામી દિવસોમાં પણ કામગીરી કરવામાં આવશે. રહેણાંક વિસ્તારમાં પણ કડક કાર્યવાહીમાં નળ, ગટર જેવા કનેક્શન કાપીને પણ કાર્યવાહી કરવામાં આવશે.
જૂની લેણી રકમ અને શાસક-વિપક્ષઃ મહાનગરપાલિકાના કમિશનર આકરા પાણીએ થયા છે અને કડક કાર્યવાહી દરેક વિભાગ પાસે કરાવી રહ્યા છે. ત્યારે હવે શરૂઆત કરવેરા વિભાગની થઈ છે. ત્યારે સવાલ ઊભો એ થાય છે કે, જૂની બાકી લેણી 60 કરોડની રકમનું શું? 60 કરોડ લેણી રકમ માટે કુલ 1 લાખ કરદાતા છે. આ 60 કરોડની રકમ પર 18 ટકા વ્યાજ સાથે લેણી નીકળતી રકમ 180 કરોડ રૂપિયા જેવી થઈ છે. તેમ છતાં તેની ઉઘરાણી થતી નથી. જોકે, જૂની બાકી લેણી રકમ મુદ્દે શાસકો કશું બોલવા તૈયાર નથી, પરંતુ વિપક્ષે આકરા પ્રહાર કર્યા છે. શહેરમાં વિકાસ કરવો હોય તો જૂની રકમ વસૂલાત કરવી પડે તેવું વિપક્ષ માની રહ્યું છે.
વિપક્ષનો ભાજપ પર પ્રહારઃ ભાવનગરમાં કમિશનરની કામગીરીથી લઈને વિપક્ષ પ્રભાવિત થયું છે. ત્યારે વિપક્ષમાં બેઠેલા નેતા ભરત બુધેલિયાએ જણાવ્યું હતું કે, આ મારી 7મી ટર્મ ચાલુ છે. 37 વર્ષમાં ભાજપે કશું ઉખાળ્યું નથી. જૂની બાકી રકમ કરોડોની વસૂલાત થતી નથી. માત્ર 35 ટકા જેટલી વસૂલાત મૂળ વેરાની થાય છે વધારે થતી નથી. સરકારી ઈમારતો હોય કે અન્ય કોઈ ચમરબંધી હોય તેની પાસેથી વેરાની રકમ જો વિકાસ કરવો હોય તો પ્રાપ્ત કરવી જ પડે તેવું અમે જરૂર માનીએ છીએ.