ભાવનગર: જિલ્લામાં ગુજરાતમાં કોરોનાના પ્રવેશ બાદ 144 કલમ લગાવી દેવામાં આવી છે, ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હજૂ પણ હરાજી શરૂ છે. જેમાં ખેડૂત સહિત વેપારીના ટોળા વળે છે. જો કે, યાર્ડના તંત્રએ કલેક્ટર પાસે માર્ગદર્શન માંગ્યું છે કે, શું કરવું? પણ સવાલ એ છે કે, કોરોના ફેલાવા પાછળ વધુ ભીડ ખતરો પેદા કરી શકે છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આવનારી ડુંગળીના વેંચાણ માટે થતી હરાજી હજૂ બંધ કરવામાં આવી નથી. યાર્ડમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને ખેડૂતો એકત્રિત થાય છે. તેમજ હરાજીમાં સાથે રહેવાને કારણે કોરોના ફેલાવાની શક્યતા વધી જાય છે. આ મુદ્દે યાર્ડના તંત્રએ જણાવ્યું છે કે, 144ની કલમને પગલે યાર્ડ અંગે નિર્ણય કરવા માટે કલેક્ટરનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. 22 માર્ચ જનતા કરફ્યૂમાં યાર્ડનું તંત્ર જોડાવાનું છે, પરંતુ બાદમાં શું નિર્ણય કરવામાં આવશે તે કલેક્ટરના માર્ગદર્શન બાદ સ્પષ્ટ થશે. જો કે, કોરોનાને પગલે યાર્ડમાં બેનર લગાવ્યા હોવાનું અને માઇક દ્વારા વેપારી ખેડૂતને સ્વચ્છતા અને સફાઈ રાખવા માટે જાણ કરવામાં આવતી હોવાનું યાર્ડના સેક્રેટરી જણાવી રહ્યા છે.