ભાવનગર : શહેરમાં થોડા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી લાંબા સમયે નિકાલ થાય છે, તો ક્યાંક ડ્રેનેજ ભરાઈ રેહવાને પગલે પાણી રસ્તા પર ભરાયેલા રહે છે. નાના ખાબોચિયાઓ તો ઠેર ઠેર જોવા મળે છે, ત્યારે કુંભારવાડા પછાત વિસ્તારમાં પાણી ભરાઈ રેહવાને કારણે મુશ્કેલીઓ લોકોની વધી છે. જો કે, પાણી ભરાઈ રહેવાની મહાનગરપાલિકાને રોજની 30 ફરીયાદ પણ આવે છે
ગંદા પાણીમાં ચાલવા લોકો મજબુર : કુંભારવાડા વિસ્તારમાં ગઈકાલે આવેલા 41mm વરસાદ બાદ પાણીનો નિકાલ થયો નથી. માઢિયા રોડ પર રહેતા લોકોને આરસીસી રોડ તો છે. પરંતુ ડ્રેનેજમાં પાણી વહી જવું જોઈએ તે જતું નથી. આથી આડેધડ આયોજન વગરના રોડ ઉપર પાણી ભરાયેલું રહે છે.
અમારે કુંભારવાડા માઢિયા રોડ કૈલાશવાડી પાસે વરસાદ ગયા પછી ત્રણ ત્રણ દિવસ પાણી ભરાઈ રહે છે. ગટર ભરાઈ જાય છે. સાફ કરી ગયા હતા પણ કાલે વરસાદ આવ્યો તો ફરી ભરાઈ ગઈ છે. અમે બહાર નથી જતા ગટરનું પાણી પાછું આવે છે દુર્ગંધ મારે છે. છોકરા નિશાળે અમે મોકલ્યા નથી. આંગણે રીક્ષા આવે છે તો પણ શું કરવું. - રેખા વાઘેલા (રહેવાસી, કૈલાશવાડી)
શહેરના અન્ય વિસ્તારોમાં સમસ્યાઓ : ભાવનગર શહેરમાં થોડા વરસાદને પગલે દેસાઈનગર, શાસ્ત્રીનગર, નિલમબાગ, પાનવાડી, જશોનાથ સર્કલ જિલ્લા પંચાયત, કરચલીયા પરા જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. અનરાધાર વરસાદને પગલે ઉપરોક્ત બધા વિસ્તારોમાં ઢીંચણ સુધીના પાણી રસ્તા ઉપર ભરાય છે. સ્થાનિક દુકાનદારો, વાહનચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે ગટરમાં પાણીનો નિકાલ બે ચાર કલાકે થઈ જાય છે, પરંતુ જો ગટર બ્લોક થાય તો પાણી ભરાયેલા રહે છે અને લોકો પરેશાન થાય છે. હાલ સુધી વરસાદ આવતો જાય અને પાણીનો નિકાલ થતો જાય તેવી ઉપરના એક પણ વિસ્તારમાં વ્યવસ્થા નથી. પાણી નિકાલની ગટરો કે સ્ટોર્મ લાઇન નાની હોવાને પગલે પાણીનો ઝડપથી નિકાલ થતો નથી.
મહાનગરપાલિકાને રોજની આવતી ફરિયાદ : વિભાગના અધિકારી કે.એસ. જાપડીયાએ જણાવ્યું હતું કે, ખાસ કરીને કુંભારવાડા રેલવે સ્ટેશન મોતી તળાવ વગેરે જેવા વિસ્તારો જે નીચાણવાળા છે, ત્યાં પાણી ભરાવાની સમસ્યા રહે છે. આ સાથે કોઈપણ સ્થળ રકાબી જેવો રોડનો ઘાટ હોય તો પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે. મોટાભાગની સમસ્યા અથવા તો સ્ટ્રોમ લાઇન ચોકપ થવાને કારણે થાય છે. જેના કારણે કેટલીક સમસ્યાઓ તાત્કાલિક ધોરણે હલ થાય છે. તો કેટલી બે ત્રણ દિવસ બાદ હલ થતી હોય છે.
30 જેટલી ફરિયાદો : જોકે વરસાદના સમયે રોજની 30 જેટલી ફરિયાદો આવતી હોય છે. તેમાંથી કોઈક જ ચારથી પાંચ જેટલી સમસ્યાઓનો નિકાલમાં સમય લાગતો હોય છે. સ્ટોર્મ કે ગટર લાઇનમાં કચરો જવાને કારણે લાઇન બ્લોક થાય છે. ઘણા લોકો દ્વારા વરસાદના સમયે તેના ઢાંકણાઓ ખોલી નાખવાને કારણે કચરો જાય અને પાણી ભરાવાની જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. કુંભારવાડાના માઢીયા રોડ કૈલાશવાડીમાં વરસાદના આગળના દિવસે જ સાફ-સફાઈ કરી હતી, પરંતુ ફરી ભરાઈ ગઈ છે તો તેને અમે ફરીથી વ્યવસ્થિત કરીને પાણીનો નિકાલ કરશું.