સમગ્ર માહિતી મુજબ, આગામી તારીખ 4 જુલાઈના રોજ ભાવનગર શહેરમાં નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને લઈ કાયદો અને વ્યવસ્થા સઘન બનાવવાના ભાગરૂપે તાજેતરમાં જ ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર ભાવનગર પોલીસ તંત્ર તથા રથયાત્રા મહોત્સવ સમિતિની સંયુક્ત બેઠક મળી હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર ભાવનગર જિલ્લા વહીવટી તંત્રની સૂચનાના પગલે ભાવનગર જિલ્લા પોલીસ તંત્રની સૂચનાથી 2 DYSP ભાવનગર શહેરના 5 ડિવિઝનના PI, PSI, LCB, SOG સહિતનો મસમોટો પોલીસ કાફલો શહેરના આડોડીયાવાસ વિસ્તારમાં ધસી ગયો હતો.
આડોડીયાવાસમાં બનાવવામાં આવતા દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડયા હતા. પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો પાડી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ માલસામાન જપ્ત કર્યો હતો. દારૂનું વેચાણ કરતા બૂટલેગરો સામે પણ ધોરણસરની કાર્યવાહી કરી હતી. પોલીસનો મસમોટો કાફલો શહેરના ડોડીયા વાસમાં દરોડા માટે ધસી આવતા સ્થાનિક વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઇ હતી.
પોલીસે વિદેશી દારૂના આથાનો મસમોટો જથ્થો, માલસામાન, દેશી દારૂ મળી મસમોટો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે દારૂની ભઠ્ઠી ચલાવનાર તથા દેશી દારૂનું વેચાણ કરનાર અંદાજે 20 થી વધુ શખ્સો સામે પ્રોહીબીશનની કલમ અન્વયે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવને લઇને શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં દેશની ત્રીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા નિકળે છે, ત્યારે પોલીસ તેને લઇ સર્તક બની છે.