ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાની 57 શાળાઓમાં 2022માં અક્ષયપાત્ર સંસ્થા દ્વારા આપવામાં આવતા મધ્યાહન ભોજન નબળી ગુણવત્તાવાળા તેલમાંથી બનેલું હોવાનું સામે આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા 2022 માં લીધેલા સેમ્પલની કાર્યવાહી 2023માં થતા દંડ ઝીંકવામાં આવ્યો હતો. જો કે નબળી ગુણવત્તાવાળું તેલ હોવાનો રિપોર્ટ આવ્યા બાદ જાહેર થતા દંડ ફટકારવામાં આવ્યો અને ઉહાપોહ મચ્યો હતો. રાજ્યમાં આરોગ્ય રિપોર્ટની પ્રણાલી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ભારે પડી શકે છે.
નબળી ગુણવત્તાનું ભોજન વિદ્યાર્થી આરોગી ગયાં : ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ 57 જેટલી શાળાઓમાં આશરે 23 હજાર જેટલા વિદ્યાર્થીઓને મધ્યાન ભોજન અક્ષયપાત્ર સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવે છે. 2022માં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અક્ષયપાત્ર સંસ્થાના રસોડામાંથી દરેક ખાદ્ય ચીજોના નમૂના લીધા હતા. આ નમૂનાઓના રિપોર્ટ બે મહિના બાદ લેબોરેટરીમાંથી આવ્યા હતાં. ત્યારે અક્ષયપાત્ર સંસ્થાના રસોડામાં ઉપયોગમાં લેવાતું ખાદ્ય તેલ નબળી ગુણવત્તા વાળું હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું હતું. જો કે આ સમગ્ર મામલો જજમેન્ટ એજ્યુડિકેટિંગ કોર્ટમાં પહોંચ્યો હતો.ક્યારે નમૂના લીધા ક્યારે રિપોર્ટ આવ્યો અને ક્યારે દંડ થયો તે વિશે ભાવનગર મહાનગરપાલિકા કમિશનર એન વી ઉપાધ્યાયે જણાવ્યું હતું.
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અક્ષયપાત્ર સંસ્થાના રસોડામાંથી 15/2/2022 ના રોજ ઘઉં, ચોખા અને તેલ વગેરેના નમૂના લીધા હતાં. આ નમૂનાઓ 16/2/2022 ના રોજ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. ત્યારે તેનું પરિણામ લેબોરેટરીમાંથી 4/6/2022 ના રોજ આવ્યું હતું. રિપોર્ટમાં તેલનો નમુનો સબ સ્ટાન્ડર્ડ એટલે કે નબળી ગુણવત્તાવાળો જાહેર કરાયેલો હતો. આવેલા રિપોર્ટમાં સરકારી ઘઉં,ચોખાના નમૂનાઓ પાસ થયાં પરંતુ રસોડામાંથી લીધેલા ગુજરાત અંબુજા રિફાઇનરી પામોલીન તેલના ડબ્બાઓના નમુના ફેલ થયા હતાં. જો કે આ સમયે 68 જેટલા તેલના ડબ્બાઓ હતાં. રિપોર્ટ આવ્યા બાદ જજમેન્ટ એઝ્યુડીકેટિંગ કોર્ટમાં 10/01/2023 ના રોજ કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો. તેનો ચૂકાદો 2/9/2023 ના રોજ જાહેર કરવામાં આવ્યો. જેમાં અક્ષયપાત્ર સંસ્થાને 10,000 નો દંડ અને ગુજરાત અંબુજા રીફાઇનરી પામોલીન કંપનીને એક લાખ રૂપિયાનો દંડ ઝીંકવામાં આવ્યો હતો. એન. વી. ઉપાધ્યાય ( કમિશનર)
કોરોનાકાળના પગલે શાળાઓ બંધ હતી : તેમણે જણાવ્યું કે ફેબ્રુઆરી 2022માં સેમ્પલ ઓઈલના લેવામાં આવ્યા હતા. ગુજરાત અમ્બુજા રિફાઇનરીનું ઓઇલ હતું જે રિપોર્ટમાં ફેલ થયું હતું. જો કે સેમ્પલ લેવામાં આવ્યા ત્યારે કોરોનાકાળના પગલે શાળાઓ બંધ હતી. કોર્ટમાં કેસ ચાલતા 10 હજાર અક્ષયપાત્ર સંસ્થાને અને 1 લાખ ગુજરાત અંબુજા રિફાઇનરીને એક લાખ દંડ કર્યો છે.
તેલ ખવાઈ ગયા બાદ દંડની કાર્યવાહીનો મતલબ શું : ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોઈપણ સેમ્પલ લેવામાં આવે ત્યારબાદ તેને વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. બે મહિના પછી મોકલાયેલા સેમ્પલ ખાદ્ય છે કે અખાદ્ય છે તે જાહેર થાય છે. જો કે ત્યાં સુધીમાં તો જ્યાંથી સેમ્પલ લીધેલા હોય તે દરેક ચીજો વેચાઈ ગઈ હોય છે અને લોકો તેને આરોગી પણ ગયા હોય છે. અક્ષયપાત્ર સંસ્થા જેવી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા થઈ રહ્યા હોવાની ચર્ચાએ એ સમયે જોર પકડ્યું હતું. મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની કામગીરી તો થાય છે, પરંતુ પરિણામ જ મોડું મળવાને કારણે ઘણી વખત અખાદ્ય જથ્થો પણ લોકોને વેચાઈ ગયો હોય છે. સમગ્ર ગુજરાતમાં આ જ પદ્ધતિથી કામગીરી થઈ રહી છે તેમ કમિશનરનું માનવું છે. ત્યારે મહાનગરપાલિકાએ યાદી જાહેર કરીને જાહેર કર્યું કે જ્યારે નમૂના લેવામાં આવ્યાં ત્યારે શાળાઓ 16/3/2020 થી 29/3/2023 સુધી શાળાઓ બંધ હોવાનું જાહેર કર્યું છે.