- ગુંદરણામાં બર્ડ ફલૂનો એક કેસ નોંધાયો
- જિલ્લા મેજિસ્ટ્રેટે ચેપી રોગને ફેલાતો અટકાવવા જરૂરી પ્રતિબંધોનું જાહેરનામું કર્યુ પ્રસિદ્ધ
- એક કિલોમીટરના ત્રિજ્યાવાળા ચેપગ્રસ્ત વિસ્તારમાં પ્રતિબંધ જાહેર કર્યો
ભાવનગર : જિલ્લામાં મહુવા તાલુકાના ગુંદરણા ગામમાં આવેલા બેક્યાર્ડ પોલ્ટ્રી ફાર્મમાં મરઘાઓના સેમ્પલનું પરિણામ આવતા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ રોગચાળો ભાગ્યે જ માણસમાં ફેલાય છે. આમ છતાં બર્ડ ફ્લૂ સંક્રમિત પક્ષીઓના સીધા સંપર્કમાં આવનારા મનુષ્યને લાગવાની પૂરી શક્યતાને ધ્યાને લઇ સાવચેતી અને સતર્કતા રાખવી આવશ્યક છે. જેથી આ રીતે આ ગંભીર ચેપી રોગને ફેલાતો અટકાવવા તકેદારીના ભાગરૂપે જનહિતમાં કેટલાક નિયંત્રણો મૂકવા જરૂરી જણાતા જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 અન્વયે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગુંદરણા ગામની અસરગ્રસ્ત જગ્યાથી એક કિલોમીટરના ત્રિજ્યાવાળા ચેપગ્રસ્ત મહેસુલી વિસ્તારમાં પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.
ચેપગ્રસ્ત વિસ્તારમાં તકેદારી રાખવા અનુરોધ
અસરગ્રસ્ત વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે મરઘા પાલનને લગતી કોઈપણ પ્રવૃત્તિ જેવી કે ઈંડા, મરઘા, મૃત મરઘા, મરઘાની અગાર તથા મરઘા ફાર્મની સાધન-સામગ્રી અંદર અથવા બહાર લઇ જવા પર પ્રતિબંધ તેમજ અસરગ્રસ્ત વિસ્તારમાં કામ કરતા માણસોએ રક્ષણાત્મક પહેરવેશ એટલે કે ખેસ, માસ્ક, મોજાં, ગમ બુટ વગેરે પહેરવાના રહેશે. અસરગ્રસ્ત વિસ્તારમાં અવર-જવર અનિવાર્ય સંજોગોમાં જ કરવાની રહેશે.