ભાવનગર : ગુજરાતના ગરબાએ દેશ-વિદેશમા આગવી ઓળખ ઉભી કરી છે, ત્યારે ચાલુ વર્ષે કોરોનાને લઈને રાજ્ય સરકારે નવરાત્રી અને દિવાળીને લઇને માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. ત્યારે નવરાત્રીમાં ગરબા રમાશે નહિ પરંતુ ગરબા લેવાશે જરૂર નવરાત્રીમાં જેનું સાચું મહત્વ છે તે છે માટીના ગરબા, જેના પર કુંભાર પરિવારો નભે છે. રજવાડાએ પણ કુંભાર જ્ઞાતિ માટે અલગ જગ્યા ફાળવી વિકાસ કરવા પગલાં ભરેલા છે. પણ આજે પરિસ્થિતિ અલગ છે કારણ કે, કુંભારોનો વિકાસ કરવાની આઝાદીની સરકારો વાતું કરતી રહી અને હવે ચાઈનીઝ પીઓપીના ગરબા આવતા તેને પડ્યા પર પાટુ જેવી હાલત થઇ ગઇ છે. જો હિન્દુ સમાજ સમજે તો આ કુંભારોની લોકલ કળા વોકલ બની શકે છે. તેના માટે કેટલીક સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી છે.
ભાવનગરમાં રજવાડાના સમયમાં કુંભારો માટે ખાસ જગ્યાઓ ગામ બહાર ફાળવવામાં આવી હતી. ત્યારે શહેરનો વિકાસ થતાં ભાવનગર ગામ ફરી કુંભારો નજીક પહોંચ્યું તો ફરી કુંભારોને દૂર મોકલવામાં આવ્યા અને જમીનો આપવામાં આવી પણ રજવાડા ગયા બાદ ચાર ચાર પેઢીથી રહેતા કુંભાર ભાઈઓનો વિકાસ અટકી ગયો. ત્યારે કુંભારકામ કરનાર મુકેશભાઈ ચાર ચાર પેઢીથી પૈસા માટે માટલા અને નવરાત્રીમાં ગરબા અને કોડીયા પર મદાર રાખે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીમાં ગરબાની આવક થશે કે, કેમ તેવો પ્રશ્ન સતાવી રહ્યો છે. છતાં તેમને અનેક કોડીયા અને ગરબા બનાવ્યા છે. કુંભારોની માંગ છે કે, જો સમાજમાં જાગૃતિ આવે તો માટીના ગરબાની ખરીદી પર ભાર મુકવામાં આવશે તો કુંભાર પરિવારો બચી શકશે. જો ભાર મુકવામાં નહી આવે તો વારસામાં આવેલી આ કળા પણ લુપ્ત થઈ શકે તેમ છે.
ભાવનગરના કુંભારવાડા અને મોતીતળાવ રોડ પર કુંભારોની વસ્તી આવેલી છે. 50 જેટલા ઘરો ભઠ્ઠી દ્વારા માટીના માટલા, તાવડી અને દિવાળીમાં કોડીયા તો નવરાત્રીમાં ગરબા બનાવે છે. પણ ચાઈનીઝ અને પીઓપીના કલાત્મક ગરબાને પગલે કુંભારોના ગરબાની માંગ ઘટી ગઈ છે. ત્યારે એવામાં કલાત્મક કારીગરીને જીવંત રાખવા ભાવનગર મહિલા મંડળ મેદાનમાં આવી છે. મહિલા મંડળે કુંભારો પાસેથી કાચા માટીના ગરબા લીધા છે અને તેને રંગબેરંગી બનાવી લોકોને વહેંચવાનું કામ કરશે. તેઓ દ્વારા સમાજમાં લોકો જાગૃત બની કુંભારોના માટીના ગરબા લેવાનું રાખે તેવી માંગ કરી છે.
ભાવનગરમાં મંદિરે નવરાત્રીના અંતિમ દિવસે ગરબાઓ મુકવામાં આવે છે. ત્યારે આ ગરબા અને કોડિયાનો મંદિરમાં નાશ કરવાને બદલે મંદિરોના સંચાલકો દ્વારા વહેંચી નાખવામાં આવતા હોય છે. ત્યારે આવી પ્રથા પણ બંધ કરવી પડશે, નહિતર કુંભાર જેવા કારીગરો પોતાનું અસ્તિત્વ નહીં ટકાવી શકે. તેમજ સમાજે લોકલને વોકલ બનાવવા માટે આપણી સ્વદેશી ચિઝોની ખરીદી પર પણ ભાર મુકવો પડશે તોજ લોકલ વોકલ બની શકશે.