ભાવનગર શહેરને સિક્સલેન રોડ આપવાની વાત કાર્યા બાદ કામના આરંભે સ્થિતિ એવી સર્જાઈ છે કે, સોના કરતા ઘડામણ વધી ગઈ છે. સિક્સલેન રોડમાં જમીન સંપાદન કરવાની ફરજ પડતા કિંમત બમણી અથવા વધી શકે તેવી સ્થિતિ છે. વિપક્ષે આયોજન વગરનું કામ કહ્યું છે, તો શાસકો પૂર્વ અધિકારીઓની ભૂલ હોવાનું કહી ખંખેરી રહ્યાં છે.
ભાવનગર શહેરનો પ્રવેશદ્વાર એટલે આખલોલ જકાતનાકા કે જ્યાંથી શહેરના દેસાઈનગર સુધી સિક્સલેન રોડ જાહેરાત બાદ 10 વર્ષે બની રહ્યો છે. સિક્સલેન રોડ માટે સરકારે 30 કરોડ ચૂકવ્યા છે, પરંતુ હોવી રોડની કામગીરી જમીન પર આવતા અનેક અડચણો સામે છે. શાસકોનું અણઆવડત ભર્યું આયોજન અને સીટી એન્જીનિયરની ભૂલે રોડ સિક્સલેન જાહેર કર્યા પછી જમીનની ઘટ આવતા જમીન સંપાદન કરવાની ફરજ પડી છે.
સૂત્રોએ તો જમીન સંપાદનમાં આશરે 100 કરોડ ખર્ચવાના હોવાનું જણાવી રહ્યાં છે તો વિપક્ષે માહિતી માંગી હોવા છતાં અધિકારી કે, શાસકો કોઈપણ જમીન સંપાદનની રકમ જણાવવામાં સક્ષમ ન હોય તેમ જવાબ આપતા નથી. શાસકો સામે વિપક્ષે તીખા પ્રહાર કર્યા છે.
ભાવનગરના શાસકો દરેક કાર્યમાં વિલંબ કરે છે અને બાદમાં ક્ષતિઓ કે, નવીનીકરણનું બહાનું ધરીને તેની કિંમતમાં વધારો કરતા આવ્યાં છે. સિક્સલેન રોડમાં હવે 80 ટકા રોડ પર દબાણ અને જમીન સંપદાનનો પ્રશ્ન સામે આવ્યો છે. રોડનું કામ શરૂ કરી દેવામાં અવાયું છે અને સંપદાન બાકી છે, ત્યાં કેટલાક ખાનગી જમીન માલિકો વધુ કિંમત લેવા હાઇકોર્ટના શરણે ગયા છે. અણઆવડત એટલે કે, જમીન સંપાદન પહેલા કામ કરીને વિકાસ બતાવવા માગતા શાસકો ખુલ્લા પડી ગયા છે.
રસ્તા પરની સરકારી ચાર મિલકતો છે. બાકી ચિત્રામાં દબાણો અને એ જ રસ્તા પર ખાનગી જમીનો મળીને મનપા 20 કરોડ કિંમત આંકી રહી છે. ચિત્રા વિસ્તારમાં પૂર્વ મેયર અને ભાજપના કાર્યકરની પણ જમીન છે. આ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં જમીનના ભાવ ખૂબ ઊંચા છે. એવામાં 20 કરોડનો આંકડો મનપાનો ગળા નીચે ઉતરે તેમ નથી.
ભાવનગર મનપાના શાસકો એટલે કે, ભાજપ શહેરમાં 22 વર્ષથી સત્તામાં છે અને વિકાસના કાર્યમાં વિલંબ અને બાદમાં બહાનું ધરીને કિંમત વધારી નિશ્ચિત સમય કરતાં અનિશ્ચિત સમયમાં કામ પૂરું કરવામાં આવે છે. સિક્સલેન રોડમાં પણ આયોજન વગર કામ આરંભી દીધા બાદ જમીન સંપાદન કરવું એ જ બતાવે છે કે, અણઆવડત છે અને દોષારોપણ કરીને હવે બચાવ કરવામાં આવી રહ્યો છે. જો કે સવાલ એ છે કે, શું સિક્સલસેન રોડ નિયમ પ્રમાણે થશે કે પછી કાપાકુપી કરીને પ્રજાને પીરસી દેવાશે..?