- 2021ના પ્રથમ દિવસે જેલમાં જેલ સહાયક પર હુમલો
- ફરિયાદ બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
- ચાર કાચા કામના કેદી સામે ફરિયાદ નોંધાઇ
ભાવનગર : શહેરની જેલમાં જેલ સહાયક પર ચાર કેદીઓએ હુમલો કરી હોવાની ફરિયાદ જેલ સહાયક દ્વારા નોંધાવવામાં આવી છે. જેલમાં ફરજ દરમ્યાન ઝઘડાનો અવાજ આવતા તપાસમાં જતા બોલાચાલી બાદ હુમલો કરતા આંખના ભાગે જેલ સહાયકને ઇજા થઇ હોવાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
શુ બન્યો બનાવ અને કોને ઇજા
જેલમાં તા.1 જાન્યુઆરીના રોજ સાંજના 5 કલાક આસપાસ જેલ સહાયક હરેશભાઇ એચ બારૈયા બેરેક નંબર 2 અને 3 સહિત નવી બેરેકમાં ફરજમાં હતા. તે દરમ્યાન બેરેક નંબર 4 અને 5 માં ઝઘડાનો અવાજ આવતા જોવા ગયેલા અને બાદમાં આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ જેલ સહાયકને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો. જેમાં આંખના ભાગે જેલ સહાયકને ઇજા થઇ હતી.
ક્યાં નોંધાઇ ફરિયાદ અને કોની સામે
જેલમાં ફરજ બજાવતા જેલ સહાયક પર હુમલો કરી ઇજા કરતા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં કાચા કામના ચાર કેદી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં પ્રથમ અકિલ અનવર,અફઝલ રજાક,આદિલ અને તૌફિક નામના ચાર કાચા કામના કેદી સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ બાદ હવે શું થશે કાર્યવાહી અને ક્યાં પહોંચી કાર્યવાહી
જેલમાં બનેલા બનાવ અને નોંધાયેલી ફરિયાદ બાદ નિલબાગ પોલીસ સ્ટેશનના એમ.જી.કુરેશી અધિકારી તપાસ કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે ફરિયાદ બાદ હવે કોર્ટ માટે વોરંટ કઢાવીને પંચનામું કરવામાં આવશે અને બાદમાં વધુ કાર્યવાહી આગળ થશે.