ભાવનગરઃ ભારતમાં કોરોના માર્ચ મહિનાથી સતત વધી રહ્યો હતો. જે દરમિયાન લોકડાઉનના પણ વિવિધ તબક્કાઓ લાગુ કરવામાં આવ્યા હતા અને તેના કારણે ધંધા રોજગાર પર બ્રેક લાગી ગઈ હતી. જેને પગલે અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમા માર્ચ મહિનામાં 7, એપ્રિલ મહિનામાં 4 અને મે મહિનામાં 5, જહાજો લંગારવામાં આવ્યા હતા. જે બાદ અનલોક-1 થતા જ અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં જહાજો આવાનું શરૂ થઈ ગયું હતું. તેમજ અનલોક-2માં વધુ છૂટછાટ મળતા જૂન મહિનામાં 30 શિપ અલંગમાં ભાંગવા માટે આવી પહોંચ્યા છે. તંત્ર દ્વારા છેલ્લા 2 માસથી અલંગમાં જહાજો લાવવા તેમજ કટિંગ કરવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે કારણે મોટાભાગના મજૂરો પણ પોતાના વતન પરત જતા રહ્યા હતા. જેને કારણે અલંગમાં હાલ મજૂરો નહીં મળતા શિપ બ્રેકરો મુશ્કેલી અનુભવી રહ્યા છે.
અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં આવેલા જહાજો
- માર્ચ- 7
- એપ્રીલ- 4
- મે - 5
અત્રે ઉલ્લેખનીય છે કે, અલંગ શિપ યાર્ડ ખાતે નવા જહાજો રિસાયકલિંગ માટે આવ્યા તો ખરા પણ મજૂરો નહીં મળતા કામગીરી નહીંવત જોવા મળી રહી છે. તેમજ ડોલરના ભાવો વધારે હોવાને કારણે શિપ બ્રેકરોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
અલંગ શિપ રિસાયકલીંગ એસોસિએશનના જોઈન્ટ સેક્ટરી હરેશ પરમારે જણાવ્યું કે, કોરોના મહામારીના 2 મહિનાનો કપરો સમય પસાર કર્યા બાદ અનલોક-2માં સરકારની નવી ગાઈડ લાઈન અનુસાર નવા જહાજો આવવાની શરૂઆત થઈ છે. જેમાં નવા 30 જહાજો આવ્યા છે, પરંતુ લોકડાઉન દરમિયાન 80 ટકા જેટલા મજૂરો વતન પરત જતા રહેતા હાલ મજૂરો નહીં મળતા નહીંવત કામગીરી પ્લોટોમાં શિપ કટિંગની થઈ રહી છે. વતન પાછા ફરેલા મજૂરોને કામ પર પાછા લાવવા કોઈ યોગ્ય નિર્ણય લેવાની માગ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહી છે.
- 30 નવા જહાજો રિસાયકલિંગ
- મજૂરો નહીં મળતા કામગીરી નહીંવત
- 80 ટકા મજૂરો વતન પરત જતા રહ્યા
હાલ ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે અલંગ શિપ યાર્ડ ખાતે આવતા શિપો માટે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા માર્ચથી જૂન સુધીમાં આવેલા નવા શિપો સાથે 850 ક્રૂ મેમ્બરોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. તેમજ જહાજની પણ યોગ્ય ચકાસણી કર્યા બાદ જ શિપને બીચિંગ કરવાની મંજૂરી આપવામાં આવે છે.
- 850 ક્રૂ મેમ્બરોની આરોગ્ય તપાસ કરવામાં આવી
- 2 વિદેશી તથા 5 ભારતીય સંક્રમિત
- સંક્રમિતોને સારવાર માટે હોસ્પિટલ મોકલાયા
આ ઉપરાંત જે કોઈ ક્રૂ મેમ્બરો સંક્રમિત જણાય તો તેને યોગ્ય સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 2 વિદેશી તેમજ 5 ઇન્ડિયન ક્રૂ મેમ્બર સંક્રમિત જોવા મળતા સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત કોરોના મહામારીમાં મેડિકલ ટીમ દ્વારા જહાજ ભાંગવા આવતા મજૂરોનું સમયાંતરે આરોગ્ય તપાસ પણ કરવામાં આવી રહી છે.
છેલ્લા બે મહિનાની કોરોના મહામારીમાં લોકડાઉન બાદ અલંગ ઉદ્યોગ ધીમે ધીમે પાટે ચડતો નજરે પડે છે. મજૂરો પણ ધીમે ધીમે અલંગમાં કામગીરી માટે આવી રહ્યા છે, અને પોતાની રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે સરકાર પણ જો ઝડપથી કોઈ યોગ્ય નિર્ણય લે તો મજૂરો ઝડપથી પાછા ફરે અને અલંગ ઉદ્યોગ ફરી ધમધમતો થઈ શકે.