ભાવનગર: દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે રંગોળી દિવાળીનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. કારણ કે ઘરના આંગણને શોભાવવાનું કામ રંગોળી કરે છે. વિવિધ કલરોથી રંગોળી બનાવવામાં આવે છે, ત્યારે ભાવનગરમાં અલગ પ્રકારની રંગોળીની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રંગોળી કલરોથી નહીં પરંતુ કુદરતના કલરોથી બનાવવાની હતી. જો કે મહિલાઓએ ભાગ લઈને પોતાની કળાને લોકો સમક્ષ પ્રસ્તુત કરી હતી.
"ગોવર્ધનનાથજી હવેલીમાં આરોગ્યધામ તેઓ ચલાવી રહ્યા છે. ત્યારે હવેલીમાં સાંજના સમયમાં શ્રાદ્ધના દિવસોનું ખૂબ જ મહત્વ હોય છે. આથી અમે ફૂલો અને પાંદડાનો ઉપયોગ કરીને રંગોળી બનાવવામાં આવે તેવી એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીકરીઓ અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આશરે 20 જેટલી મહિલાઓએ 20 પ્રકારની રંગોળી ફૂલો અને પાંદડાઓના સથવારે બનાવી હતી. જો કે રંગોળી બનાવવા માટે માત્ર 40 મિનિટ આપવામાં આવી હતી." - રાજેશ્રીબેન બોસમીયા (આયોજન કરનાર ડોક્ટર)
કુદરતના કલરની રંગોળી: ભાવનગરમાં આવેલા શિશુવિહાર સંસ્થાના સ્થાપક માનભાઈ ભટ્ટના દીકરી ઈંદાબેન ભટ્ટ આજે પણ 80 વર્ષની ઉંમરે પોતાના ઘરના આંગણે કુદરતી કલરોના ફૂલ અને પાંદડાઓની રંગોળી બનાવે છે. ત્યારે ફૂલ અને પાંદડાની યોજાયેલી રંગોળીની સ્પર્ધામાં ઈંદાબેન ભટ્ટે જણાવ્યું હતું કે રંગોળીની સ્પર્ધાનું આયોજન ખૂબ જ સરસ કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે. બહેનો પાસે જો આ પ્રકારના કામ કરાવવામાં આવે તો તેનામાં રહેલી આંતરિક કલાને બહાર લાવી શકાય છે.
પાનની રંગોળી: શિશુવિહારના સંસ્થાપક માનભાઈ ભટ્ટની દીકરી ઈંદાબેન ભટ્ટે પોતાના માતા પાસેથી કુદરતી કલર એટલે કે ઘરમાં રહેલા વૃક્ષોના પાંદડા અને ફૂલમાંથી રંગોળી બનાવવાની કલા શીખી હતી. આજે 80 વર્ષે પણ ઈંદાબેન પોતાની માતાની પરંપરાને જીવંત રાખી છે. માત્ર દિવાળી ઉપર નહીં પરંતુ રોજ પોતાના ઘરના આંગણે જે વૃક્ષોના પાન ખરવા તરફ હોય અથવા તો ખરીને નીચે પડી ગયા હોય તેવા પાંદડા અને ફૂલોનો ઉપયોગ કરીને ઈંદાબેન આજે પણ રંગોળી કલાત્મક પોતાના ઘરના આંગણે રોજ સવારમાં બનાવી રહ્યા છે. ત્યારે જજ તરીકે આવેલા ઈંદાબેને યોજાયેલી સ્પર્ધાથી પોતાની માતાની પરંપરાને પગલે ખુશી વ્યક્ત કરી હતી.