આજે એક તરફ ભાવનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગે શહેરમાં વિવિધ એકમો અને ફાયર સેફટી અંગે નોટિસ આપી હતી. તેવામાં જ મોડી સાંજે શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા VIP પાર્કમાં અકસ્માતે આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને અંદાજે એકાદ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.
આ અંગે ફાયર બ્રિગેડ સૂત્રોએ જણાવ્યું કે ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ રોડ પર આવેલ VIP પાર્કના પ્લોટ નંબર 387માં રાખવામાં આવેલા અલંગના સ્ક્રેપના માલસામાનમાં આગ લાગી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા VIP પાર્કમાં કામ કરતા મજૂરો વેપારીઓ તથા ધંધાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
જો કે, ફાયર વિભાગે ત્રણ ગાડી પાણી છાંટીને આગને કાબુમાં લીધી હતી. આ આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી જ્યારે આ આગ લાગવાના કારણે પ્લોટમાં રાખેલા અલંગનો સ્ક્રેપ બળીને ખાખ થઇ ગયો હતો.આગ લાગવાનું સચોટ કારણ જાણી શકાયું નથી પરંતુ ઇલેક્ટ્રિક શોક સર્કિટના કારણે આગ લાગી હોવાનું ફાયરબ્રિગેડની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.