સુરતમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને ઢંઢોળી નાખ્યો છે. તંત્રની બેદરકારીના કારણે માસૂમોએ જીવ ગુમાવ્યો હોવાના આરોપો લોકો લગાવી રહ્યા છે. જેના કારણે તંત્રએ મોડી તો મોડી પણ કામગીરી શરૂ કરી છે. ભાવનગર જિલ્લામાં મ્યુનિસિપલ કમિશ્નરની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઇ હતી. ત્યારબાદ શહેરમાં ફાયર સેફ્ટીને કાર્યરત કરવાની નોટીસ પાઠવવામાં આવી છે. જે અંતર્ગત 17થી વધુ બહુમાળી ઇમારતો અને સંસ્થાઓના બિલ્ડીંગમાં નિયમ પાલન અર્થે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે કોઇ પણ સંસ્થાએ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લઘન કર્યુ હશે તે ઇમારતોને સીલ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત શહેરમાં કોર્પોરેટ અને બહુમાળી ઇમારતોને મંજૂરી સમયે ફાયર સેફ્ટીના સાધનો લગાવવાની તાકીદ કરાઇ છે.
જો કે, ભાવનગરનું તંત્ર આ નિર્ણય લેવામાં મોડુ પડ્યું છે. કારણ કે,હાલની તારીખમાં પણ કેટલીક સરકારી કચેરીઓ અને સંસ્થાઓ ફાયર સેફ્ટી વગર વર્ષોથી ચાલે છે. છતાં તેમની વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરાઇ નથી. આમ, ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટીના નામે મીંડુ જોવા મળી રહ્યું હતું. પરંતુ રાજ્ય સરકાર દ્વારા કરાયેલી તાકીદના પગલે ભાવનગરની પાલિકાને નક્કર કાર્યવાહી કરવાની ફરજ પડી છે. જેના કારણે તંત્ર કોઇ ચોક્કસ કાર્યવાહી કરશે તેવી આશા સ્થાનિકોમાં જોવા મળી રહી છે.