શહેરના તરસમીયા રોડ પર આવેલ સીતારામ સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા લાભુભાઈ નાથાભાઈ મકવાણાનો પુત્ર ચિરાગ નજીકની સરકારી શાળમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. નિત્યક્રમ મુજબ ચિરાગ શાળાએ ગયા બાદ શાળામાં મધ્યાન ભોજન પૂર્વે શ્લોક બોલતી વખતે તેની આંખો ખુલ્લી ગઈ હતી. જેથી એક શિક્ષકે ઉશ્કેરાઈ જઈને ચિરાગને કાન પર તમાચો ઝીંકી દીધો હતો.આ બનાવની જાણ ચિરાગે ઘરે આવીને તેના વાલીને કરી હતી. ચિરાગના પિતા લાભુભાઈ શિક્ષકને સમજાવવા શાળાએ ગયા હતા.
જ્યાં વિદ્યાર્થીના વાલી શિક્ષકને સમજાવે તે પૂર્વે જ શિક્ષકે ઉશ્કેરાઇ જઇને પોતાની નજીક પડેલ ખુરશી અને પાઇપ વડે વિદ્યાર્થીના વાલી ઉપર પણ હુમલો કર્યો હતો. આ બનાવમાં પિતા-પુત્ર બંને ઈજા પહોંચી હતી. તેમને તે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીએ શાળાના શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.