ભાવનગર : ચોમાસાના ઠેકાણા નથી અને વરસાદ પાછો ખેંચાતા જિલ્લામાં દિવસે દિવસે પાણીનું સંકટ વધી રહ્યું છે. ભાવનગર માટે પીવાના પાણીના સ્ત્રોત અને ડેમો તળિયા ઝાટક થવા લાગ્યા છે. ધીરે-ધીરે ડેમો સુકાઈ રહ્યા છે. જ્યારે આ પરિસ્થિતિ અંગે અધિકારીઓને પૂછવામાં આવ્યું તો જવાબ મળ્યો કે, આપણી પાસે સૌની યોજના તો છે જ. ત્યારે ETV BHARAT એ પાણીની સમસ્યાને લઈને પરિસ્થિતિનો ચિતાર કાઢવાની કોશિશ કરી જુઓ અને સમજો
ડેમમાં પાણીની સ્થિતિ : ભાવનગર જિલ્લામાં કુલ 12 ડેમો આવેલા છે. જેમાં સૌથી મોટા ડેમ શેત્રુંજીમાંથી ભાવનગર,પાલીતાણા અને ગારીયાધારને પીવાનું પાણી આપવામાં આવે છે. પરંતુ હાલમાં જિલ્લાના એક પણ ડેમમાંથી પાણી આપવામાં આવતું નથી. ચાર તાલુકાના 22 ગામના પહેલા પાણી આપી દીધા બાદ સિંચાઈનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. હવે ડેમમાં સંગ્રહ કરવામાં આવેલ પાણીનો જથ્થો પીવાના પાણી માટેની વ્યવસ્થા માટે છે. શેત્રુંજી ડેમમાં પાણી હજુ ત્રણ મહિના ચાલે તેટલું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વરસાદ પાછો ખેંચાતા ત્રણ મહિના આરામથી નીકળવાની વાત અધિકારી જણાવી રહ્યા છે.
જિલ્લામાં આપણે 12 જેટલા ડેમ છે. તેમાંથી ચાર જેટલા ડેમ ખાલી છે. જ્યારે આઠ ડેમોમાં 10 થી 25 ટકા જેટલો પાણીનો જથ્થો છે. સિંચાઈ માટે પાણી આપવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. શેત્રુંજી ડેમમાં 19% પાણી છે. જો કે ચાર તાલુકાના 22 ગામોને સિંચાઈનું પાણી અગાઉ આપી ચૂક્યા છીએ. હાલમાં શેત્રુંજીમાંથી પાલીતાણા,ભાવનગર ગારીયાધારને પીવા માટે પાણી આપવામાં આવે છે.-- એ.એમ. બાલધીયા (સિંચાઇ અધિકારી, ભાવનગર)
પીવાના પાણીની જરૂરિયાત : ભાવનગર શહેરમાં નવા પાંચ ગામો ભળ્યા બાદ વસ્તી અંદાજે 7 લાખ ઉપર ગઈ છે. અગાઉ પીવાના પાણીની જરૂરિયાત 120 MLD હતી. જે હવે 175 MLD થઈ ગઈ છે. શહેરમાં દરેક ઘરને 45 મિનિટ પાણી આપવામાં આવે છે. મહાનગરપાલિકા એક કરદાતા પાસેથી પાણીવેરાની 1500 રૂપિયા જેવી કિંમત વસૂલી રહી છે. છતાં પણ ક્યાંક ટેક્નિકલ કારણે પાણી મળતું નથી. આ અંગે સ્થાનિકોએ ઘણીવાર રજુઆત પણ કરી ચૂક્યા છે.
ચોખ્ખો હિસાબ : આ અંગે BMC વોટર વર્ક્સ વિભાગના અધિકારી સી.સી. દેવમુરારી સાથે વાતચીત થઈ હતી. તેઓએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં હાલમાં રોજ 175 MLD જેટલી પાણીની જરૂરિયાત હોય છે. આપણી પાસે પાણીનો સ્તોત્ર શેત્રુંજી ડેમ છે. જેમાં 18 ફૂટ એટલે કે 1800 mcft પાણી છે. આપણે દર મહિને 300 mcft પાણી લઈએ છીએ. તે હિસાબે હાલનો પાણીનો જથ્થો બે થી ત્રણ મહિના ચાલી શકે તેમ છે.
પાણીની તંગી ? બોરતળાવમાં 27 ફૂટ સપાટી એટલે કે 160 mcft પાણી છે. રોજનું ત્યાંથી 20 MLD પાણી લેવામાં આવે છે. આ સાથે 72 થી 75 MLD રોજનું નર્મદાનું પાણી પણ લેવામાં આવે છે. એટલે આગામી ત્રણ માસ સુધી પાણીની સમસ્યા ઊભી થાય તેમ નથી.
દરેક ડેમમાં પાણીની સ્થિતિ ટકાવારી પ્રમાણે કેટલી ?
સરકારી આંકડા મુજબ શેત્રુંજી ડેમમાં 19.45 %, ખારોમાં 25.74%, માલણમાં 13.55%, રંઘોળામાં 24.69% અને બગડ ડેમમાં 13.60 % પાણીનો જથ્થો છે. જ્યારે 10 % ઓછા પાણીવાળા ડેમો જેમ કે, રજાવળમાં 1.88%, રોજકી 8.13 %, જસપરા માંડવા 6.45 %, પીંગળી 2.84% પાણી છે. સાવ કોરા કટ્ટ સ્થિતિમાં લાખણકા 0.27% ખાલી હમીરપરા 0.00 ખાલી, હણોલ ડેમ 1.25% ખાલી છે. બોરતળાવમાં 27 ફૂટ પાણી છે.