ભાવનગરઃ રાજુલાના હિંડોરણા નજીક ટ્રક અને બાઈક વચ્ચે જોરદાર અથડામણ થઈ છે. બાઈક પર બે લોકો સવાર હતા. બાઈકને ટ્રકની જોરદાર ટક્કર વાગતા બંને જમીન પર પટકાયા હતા. પતિને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે પત્નીનું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નિપજ્યું છે.
હેવી ટ્રાફિકજામઃ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ટ્રાફિકનું વધુ ભારણ રહે છે. બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. બંને તરફથી આવતો ટ્રાફિકજામ થઈ જતા વાહનોની એકાદ કિલોમીટર સુધી લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.
ઘટના સ્થળે કવાયતઃ રાજુલા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી. પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવ્યા ઉપરાંત મૃતકના પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને મોકલી આપ્યો હતો. જ્યારે અતિ ગંભીર ઘાયલ એવા પતિને 108 દ્વારા હોસ્પિટલમાં સારવારઅર્થે મોકલ્યા હતા. ગંભીર રીતે ઘાયલ એવા પતિની સામે જ તેમની પત્નીનું કમમાટીભર્યુ મૃત્યુ થયું હોવાથી અરેરાટી પ્રસરી ગઈ હતી.
અન્ય એક અકસ્માતઃ ભાવનગર-સોમનાથ હાઈવે પર અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે. બાઈક સવાર દંપતિ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ તે પહેલા પણ અન્ય એક અકસ્માત આ હાઈવે પર થયો હતો. આ બીજા અકસ્માતમાં એક બેકાબૂ ટ્રક ગાયોના ટોળાને અથડાઈ હતી. આ અથડામણમાં 5થી વધુ ગાયોના કમકમાટીભર્યુ મૃત્યુ થયા છે.આ અકસ્માતમાં નાગેશ્રી પોલીસે ગુનો નોંધીને ટ્રક ચાલકની તપાસ હાથ ધરી છે.