ભાવનગર: ભાવનગર ડીએસપી કચેરી ખાતે યુવરાજસિંહ જાડેજાને ડમીકાંડ મામલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જો કે આજે યુવરાજસિહ હાજર થયા ન હતા. ત્યારે આ મામલે પત્ની બિંદિયાબાનું ટ્વીટ સામે આવ્યું છે. જેમાં યુવરાજસિંહને ચક્કર આવ્યા હોવાથી 10 દિવસનો સમય માંગ્યો હતો.
10 દિવસનો સમય માંગ્યો: ભાવનગર ડીએસપી કચેરી ખાતે યુવરાજસિંહને 12 કલાકે હાજર થવા સમન્સ મોકલવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે યુવરાજસિંહ હાજર ન થતાં અટકળો તેજ થઈ હતી. પરંતુ આ મામલે યુવરાજસિંહના પત્ની બિંદિયાબાનું ટ્વીટ સામે આવ્યું છે. જેમાં જણાવાયું છે કે યુવરાજસિંહને વહેલી સવારે ચક્કર આવી ગયા હોવાથી તે સ્થળે આવી શકે તેમ નથી. આ મામલે તેમણે જવાબની રજૂઆત કરવા માટે 10 દિવસનો સમય માંગ્યો હતો.
આ પણ વાંચો: Dummy candidate scam : પરીક્ષામાં ડમી ઉમેદવાર કૌભાંડમાં યુવરાજસિંહ જાડેજા પર આક્ષેપ
યુવરાજસિંહે વીડિયો દ્વારા શું કહ્યું: આ મામલે વહેલી સવારે યુવરાજસિંહે એક વીડિયો જાહેર કર્યો હતો. જેથી યુવરાજસિંહ જાડેજા ભાવનગરમાં આવી ગયા હોય અને કાળિયાબીડ વિસ્તારમાં રોકાયા છે. જો કે યુવરાજસિંહે વહેલી સવારે જણાવ્યું હતું કે SOG દ્વારા તેમને સમન્સ પાઠવીને ડમીકાંડ મામલે પૈસાના વ્યવહાર પગલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. પરંતુ આ દરમિયાન જો અન્ય કોઈ રીતે દબાણ કરવામાં આવશે અથવા તો દબાવવાની કોશિશ કરવામાં આવશે તો તે ચાલશે નહીં. વાત 36 નામ જ કેમ જાહેર કર્યા અન્ય નામો ક્યાં તે પગલે પણ મારો જવાબ આપવાનો છે. તેવું જણાવ્યું હતું.
DSP કચેરીએ પોલીસ બંદોબસ્ત: ભાવનગરમાં ડમીકાંડ મામલે 36 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે બીપીન ત્રિવેદી નામના શિક્ષકે યુવરાજસિંહ જાડેજા સામે ડમીકાંડ સામેલ લોકોના ન લેવા બદલ 55 લાખ લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેનો વીડિયો વાયરલ થયો હતો. આથી ભાવનગર SOG દ્વારા સીઆરપીસી 160 મુજબ યુવરાજસિંહ 19 તારીખના રોજ બપોરે 12 કલાક હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. જેને પગલે ભાવનગર ડીએસપી કચેરી ખાતે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Dummy Candidate Scam: ડમીકાંડમાં SITની રચના, થશે મોટા ખુલાસા
શું હતો મામલો: ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં ડમીકાંડની 14 તારીખના રોજ નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ બીપીન ત્રિવેદી નામના શિક્ષકનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો ડમીકાંડ ખોલનાર યુવરાજસિંહ જાડેજા સામે જ આક્ષેપ કરનાર બિપીન ત્રિવેદીનો હોવાનું સામે આવ્યું હતું. ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજાએ 55 લાખ લીધા હોવાના આક્ષેપ બાદ ભાવનગર એસઓજી પોલીસ દ્વારા યુવરાજસિંહ જાડેજાને CRPC 160 મુજબ સમન્સ પાઠવ્યું છે. SOG પોલીસે સમન્સમાં જણાવ્યું છે કે તમારા દ્વારા કરાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક નામો જાહેર ન કરવાને લઈને નાણાકીય વ્યવહાર થયો હોય જે બાબતને પગલે તમારો પક્ષ મૂકવા માટે ભાવનગર DSP કચેરી ખાતે SOG કચેરીએ હાજર રહેવા જણાવ્યું હતું.