ભાવનગર : ભાવનગર શહેરમાં ટમેટાએ હવે બેવડી સદી મારી છે. 100 રુપિયાએ ભાવ પહોંચતા જેવો દેકારો થયો હતો પણ આતો એનેય વટી ગ્યો છે. પરંતુ વડાપ્રધાનના સાઇલેન્ટ વોટરોમાં રોષ ફેલાયો છે. હા ગૃહિણીઓમાં રોષ છે. ટામેટાની ખરીદી કાજુ બદામ જેવી થઈ ગઈ છે. લોકોને ટામેટાનો વિકલ્પ લીંબુમાં પસંદગી ઉતારવી પડી રહી છે.
ટમેટા ખૂબ મોંઘા છે.વાપરવામાં મુશ્કેલી પડે છે. ભાવ હોવાથી ખરીદી કરતા નથી. 100 રૂપિયા હતા ત્યારે ઓછા લેતા પણ હવે લેતા જ નથી, સરકાર કંઈક કરે તો સારું પડે...વિકાસભાઈ (નાગરિક)
બજારમાં ટામેટા લેવાલ ઓછા : આજે શ્રીમંતો જ ટામેટા આરોગે તેવી લોકમુખે લોક ચર્ચા ચાલી રહી છે. રસોડામાંથી ગૃહિણીઓના ટમેટા ગાયબ થયા છે. માત્ર એટલું નહીં, મુખ્ય બજારોમાં પણ ટામેટા શોધવા પડે તેવી સ્થિતિ છે. એકલદોકલ લાવતા ટામેટાના વ્યાપારીઓ કોઈ ગ્રાહકો ન હોવાથી ચિંતામાં છે. ત્યારે ગૃહિણીઓ તો ટમેટા લેતા ઓછી જ નજરે પડે છે પણ સરકારને પુરુષો સવાલ જરૂર કરી રહ્યા છે.
આસમાને ભાવ છે ભગવાન અત્યારે ટમેટાના ભાવ, આ ટમેટાના ભાવમાં જીવવું કેમ અમારે 200 રૂપિયાના ટમેટા નાના માણસો કેમ ખાય ? અત્યારે ગેસના બાટલાના, ટમેટાના, રીંગણાના ભાવ જોવો બધાના ભાવ જુઓ. વરસાદ થયો હવે તો સસ્તું થવું જોઈએને...વિનોદગીરી (નાગરિક,ભાવનગર)
ટામેટાના ભાવમાં સદી બાદ બેવડી સદી : ભાવનગરમાં 15 દિવસ પહેલા ટામેટાની આવકમાં ઘટાડો થઇ જતા બજારમાં જોવા ઓછા મળતા હતા. ટમેટા 15 દિવસ પહેલા સદી એટલે 100 રૂપિયા ઉપર કિલોના ભાવ પહોચી ગયા હતા.ગૃહિણીઓમાં કકળાટ ફેલાઈ ગયો હતો. હવે છાના ખૂણે ટમેટા બેવડી સદી ફટકારી ચુક્યા છે. બજારમાં ટામેટાના ભાવ 200 રૂપિયા ઉપર કિલોએ પોહચી ગયા છે. 50 રૂપિયાના અઢીસો ટમેટા મળતા મહિલાઓ પણ ટમેટા હવે નંગમાં ખરીદતી થઈ ગઈ છે. એક કે બે ટમેટાની જ ખરીદી કરતી નજરે પડે છે.
ટામેટાના ભાવ વધવા પાછળ કારણ આખરે શું : ભાવનગર જિલ્લામાં ચોમાસાના પગલે શાકભાજીનું વાવેતર નથી. ભારે વરસાદને પગલે ટમેટાનું વાવેતર ન હોવાથી વ્યાપારીઓ અન્ય રાજ્યોમાંથી મંગાવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ ચાર્જ અને અન્ય રાજ્યોમાં ટમેટાના ભાવ વ્યાપારીઓ દ્વારા વધારતા ભાવનગરમાં ભાવ વધી ગયાનું જથ્થાબંધ વ્યાપારીઓ જણાવી રહ્યા છે. પુરુષો બજારમાં શાકભાજી લેતા નજરે પડે છે. ટમેટા 50 રૂપિયાના અઢીસો હોવાથી લોકો 50ના જ ટમેટા લેતા નજરે પડી રહ્યા છે.
ટામેટાની બજાર 220 કિલોની બજાર છે. પહેલા 100 હતા તો એમ થતું ખાસુ, અત્યારે ટામેટા ખાઈ કે લીંબુ ખાય, બધા શાકભાજીના ભાવ આસમાને છે. એટલા બધા ભાવ છે કે વેચવા લાવીએ તો બગાડ થાય છે. કોઈ લેતું નથી...જાહિદ ચૌહાણ (દુકાનદાર)
બજારમાં ટામેટા ન દેખાવાનું કારણ પણ જાણો : ભાવનગરની મુખ્ય બજારમાં ટામેટા ખરીદવા હોઈ તો ચારે તરફ નજર દોડાવવી પડે છે. ત્યારે જો ટામેટા મળી જાય તો મળી જાય અને ત્યાં જઈને ભાવ પૂછતાં હોશ જરૂર ઉડી જાય છે. મહિલાઓ ટામેટાના બદલે શું ઉપયોગ કરી શકાય તેવું વિચારતી થઈ ગઈ છે. ટમેટા ઓછા જોવા મળવા પાછળનું કારણ એક જ છે કે ટામેટા વધુ દિવસ સચવાતા નથી. આથી બગડી જાય છે માટે વ્યાપારીઓ ઓછા ટામેટા લાવે છે. એક તરફ ભાવ વધુ હોવાથી ખરીદી નહિવત સમાન છે.આથી બજારમાંથી આવક ઓછી અને ભાવ વધુ હોવાથી બજારમાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે.