ભાવનગર : ભાવનગર શહેરના સીદસર ખાતે રહેતા અને ડીવાયએસપી તરીકે પાલનપુરમાં ફરજ બજાવતા રમેશ ડાખરાનો પુત્ર આયુષ ડાખરા છેલ્લા સાડા ચાર વર્ષથી કેનેડામાં અભ્યાસ માટે ગયો હતો. પરંતુ ગુમ થયા બાદ હાલમાં તેનો મૃતદેહ કેનેડામાં મળતા ડાખરા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હવે કેનેડાથી મૃતક યુવાન આયુષ ડાખરાના મૃતદેહને ભારત પરત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આવતીકાલે રવિવારે ભાવનગરમાં સવારે તેની સ્મશાનયાત્રા પણ નીકળવાની છે.
પુત્ર ગુમ હોવાની સૂચના મળી હતી : ભાવનગર શહેરના સીદસર ગામે રહેતા રમેશ ડાખરા ડીવાયએસપી તરીકે હાલમાં પાલનપુર ખાતે ફરજ બજાવી રહ્યા છે. તેઓ પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના સિક્યુરિટી સ્ટાફમાં પણ ફરજ બજાવી ચૂકેલા છે. રમેશ ડાખરાને બે પુત્ર છે. જેમાં એક નાનો પુત્ર હાલ ગાંધીનગર અભ્યાસ કરી રહ્યો છે. ત્યારે બીજો પુત્ર આયુષ ડાખરા કેનેડામાં છેલ્લા સાડા ચાર વર્ષથી અભ્યાસ અર્થે ગયો હતો. 5 તારીખથી કેનેડામાં ગુમ હોવાનું તેના મિત્રોએ આયુષના પિતા ડીવાયએસપી રમેશભાઈ ડાખરાને જણાવ્યું હતું.
મિસિંગની ફરિયાદ નોંધાવવા કહ્યું : જેને પગલે કેનેડામાં મિસિંગની ફરિયાદ નોંધવા રમેશ ડાખરાએ આયુષના મિત્રોને કહ્યું હતું. હાલમાં કેનેડાની પોલીસે એક મૃતદેહ મળી આવતા તેના મિત્રએ આયુષની ઓળખ કરી બતાવી હતી. આ બનાવ સામે આવ્યા બાદ ડાખરા પરિવાર શોકમગ્ન બની ગયો છે તેમ કૌટુંબિક સગા નરેશભાઈ ડાખરાએ જણાવ્યું હતું.
કેનેડા પોલીસ કરી રહી છે તપાસ : ભાવનગર શહેરના સિદસરમાં રહેતા રમેશ ડાખરાના બે પુત્ર પૈકીનો મોટો પુત્ર આયુષ ડાખરા પાંચમી તારીખના રોજ કેનેડામાં કોલેજ જવા નીકળ્યો હતો. પરંતુ દોઢ દિવસ સુધી ઘરે પરત નહી ફરતા તેના મિત્રોએ ભારતમાં તેના પિતા રમેશભાઈને જાણ કરી હતી. ત્યારબાદ હાલમાં તેનો મૃતદેહ મળ્યો છે ત્યારે કેનેડા પોલીસ તપાસ કરી રહી છે પણ હાલમાં અલગ અલગ વાતો થઇ રહી છે.
સમગ્ર બનાવને લઈને કેનેડામાં આયુષના મિત્રો દ્વારા પરિવારને જણાવવામાં આવ્યું હતું કે કેનેડાની પોલીસ હાલ તપાસ કરી રહી છે. આયુષ ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો તેના સીસીટીવી ચેક પણ કરવામાં આવી રહ્યા છે. જેને પગલે આગામી દિવસોમાં આયુષના મૃત્યુ પાછળનું કારણ શું છે તે સામે આવી શકે છે તેમ નરેશ ડાખરા (આયુષના કાકા)
આયુષ અભ્યાસમાં હતો હોશિયાર : આયુષ નાનપણથી ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને મળતાવડા સ્વભાવવાળો હતો. પોતાના પરિવાર સાથે અને માતા પિતા સાથે તે વીડિયો કોલથી વાતચીત પણ કરતો હતો. ગાંધીનગરમાં જ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને બાદમાં તે કેનેડા અભ્યાસ અર્થે ગયો હતો. કેનેડામાં તે છેલ્લા સાડા ચાર વર્ષથી અભ્યાસ કરી રહ્યો હતો.
મોડીરાતે મૃતદેહ ભાવનગર પહોંચશે : સુખી સંપન્ન ઘરમાંથી હોવાથી તેને કેનેડામાં નોકરી કરવાની ફરજ પડી નહોતી. ત્યારે અચાનક પાંચમી તારીખના રોજ તે ગુમ થયા બાદ ત્રણ દિવસે મળેલા તેના મૃતદેહને લઈને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર બનાવને લઈને સીદસરના સમગ્ર ડાખરાસમાજમાં શોકનું મોજું જોવા મળ્યું છે. આયુષના મૃતદેહને મોડીરાત સુધીમાં અમદાવાદ અનેે ત્યાંથી ભાવનગર લાવવામાં આવી શકે છે. આવતીકાલ રવિવારેે તેની સ્મશાન યાત્રા યોજવામાં આવશે.