ભાવનગરઃ લોકસભાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો દ્વારા ધીમી ગતિએ ચૂંટણીની તૈયારીઓને શરૂ કરવામાં આવી છે. રાજકીય ક્ષેત્રે મુખ્ય પક્ષ ભાજપ અને કૉંગ્રેસે ભાવનગર લોકસભા બેઠક-15 જીતવા માટે તૈયારીઓ શરુ કરી છે. ભાજપ પ્રજા સમક્ષ રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલ મહત્વનના કામોને રજૂ કરી રહી છે. જ્યારે કૉંગ્રેસ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાને વાચા આપી રહી છે.

શહેર કૉંગ્રેસની તૈયારીઓઃ ભાવનગર શહેરમાં કૉંગ્રેસ દ્વારા ધારાસભાની બેઠક પૂર્વ અને પશ્ચિમ પ્રમાણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાવનગર શહેરના 13 વોર્ડમાં સંગઠનની કામગીરી ચાલી રહી છે. હાલમાં રાજ્યની સંગઠનની બેઠક અમદાવાદ ખાતે હતી જેમાં પ્રમુખ, આગેવાનો અને કાર્યકરોએ ભાગ લીધો છે. શહેરમાં ચોમાસા દરમિયાન ખાડા, ઢોર, લાઈટના પ્રશ્નો વગેરેને લઈને કૉંગ્રેસે વિરોધ અને આંદોલન કર્યા છે અને વિપક્ષની ભૂમિકા ભજવી છે. દરેક વોર્ડમાં કૉંગ્રેસ દ્વારા સભ્ય જૂથની નોંધણી કરવામાં આવી રહી છે.

ભાવનગર શહેરના 13 વોર્ડમાં અમારા સંગઠનની કામગીરી ચાલી રહી છે. અમે લોકોના મૂળભૂત પ્રશ્નોને વાચા આપીશું. અમે ટિફિન બેઠકોનું પણ આયોજન કરવાના છીએ. દરેક વોર્ડમાં અમે 500 મેમ્બર્સ બનાવી રહ્યા છે. જેમાં અમારા દરેક કાર્યકરો અને આગેવાનો મહેનત કરી રહ્યા છે...જયેશ ભટ્ટ(ઉપપ્રમુખ, શહેર કૉંગ્રેસ, ભાવનગર)
શહેર ભાજપની તૈયારીઓઃ ભાવનગર શહેરમાં શહેર ભાજપ દ્વારા પણ લોકસભાની તૈયારીઓને આદરી દેવામાં આવી છે. 22 જાન્યુઆરીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે પણ વિવિધ કાર્યક્રમો માટે કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. ભાજપ આ વખતે ફરી એકવાર મોદી સરકારના નારા સાથે લોકસંપર્ક કરી રહી છે.
ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી કોઈ નવીન વાત નથી. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. અમારો નારો છે ફીર એક બાર મોદી સરકાર. આ નારા સાથે અમે વોર્ડ અને શક્તિ કેન્દ્રમાં જઈ રહ્યા છીએ. હાલમાં અમારે કેન્દ્ર અને રાજ્યના સરકારના યોજનાના લાભાર્થીઓને મળવાનું પણ ચાલું છે. ભાજપ સંગઠનના દરેક કાર્યો ઉત્સાહભેર થઈ રહ્યા છે...અભય ચૌહાણ(પ્રમુખ, શહેર ભાજપ, ભાવનગર)
જિલ્લામાં બંને પક્ષોની તૈયારીઓઃ લોકસભાની બેઠકને લઈને જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ તૈયારી કરી રહ્યા છે, ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે તાલુકા પંચાયતની બેઠક ઉપર અમે સભ્ય બનાવવાની શરૂઆત કરી દીધી છે. દરેક બેઠકો ગામડે ગામડે થઈ રહી છે. મોંઘવારી, બેરોજગારી, ગેસના પ્રશ્નો, ખેડૂતના ડુંગળીના નિકાસબંધીના પ્રશ્નો અને વીજળીના પ્રશ્નો છે જેમાં સબસીડી કહેવાની આપવામાં આવી રહી છે. આ દરેક પ્રકારના મુદ્દાને લઈને અને સભ્ય બનાવવાની કામગીરી સાથે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ આર સી મકવાણા જણાવ્યું હતું કે સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે અને સંગઠનના કામો હાલમાં થઈ રહ્યા છે. છેલ્લા છ મહિનાથી કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. વિકસિત ભારત યાત્રા શરૂ છે જેમાં તાલુકા,જિલ્લા કક્ષાના નેતાઓ પણ જોડાયા છે. કેન્દ્ર અને રાજ્યના કામો જે સરકારોએ કર્યા છે તે લોકો સમક્ષ મૂકીએ છીએ. બુથ અને તાલુકા લેવલની સમિતિઓની રચના થઈ ચૂકી છે. આગામી દિવસોમાં લોકસભાનું કાર્યાલય પણ જિલ્લા કક્ષાએ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જેમાં બોટાદ,ભાવનગર શેર અને જિલ્લામાં ઉદ્ઘાટન કરવામાં આવશે.