ભાવનગર: શહેરના ગંગાજળિયા તળાવ નજીક આવેલું જશોનાથ મહાદેવ 150 વર્ષ પૌરાણિક છે. શિવલિંગ, શિવલિંગનું થાળું અને મંદિરનું નિર્માણ કાશી વિશ્વનાથની પ્રતિકૃતિ છે.જશોનાથ મહાદેવ દરેકની મનોકામના પૂરી કરે છે. ભાવનગર જ નહીં પણ જિલ્લાભરના યુવાનો અહીં ભારે આસ્થા સાથે દર્શન કરવા માટે આવે છે. આ મંદિરને ભાવનગરનું કાશિ વિશ્વનાથ શા માટે કહેવાય છે એની પાછળ પણ એક રસપ્રદ કથા છે.
જશોનાથ મહાદેવના ચમત્કાર: ભાવનગરનું કાશી વિશ્વનાથ એટલે જશોનાથ મહાદેવ જેની સ્થાપના સવંત 1921 માં કરવામાં આવી હતી. જશોનાથ મહાદેવ મંદિરનું સ્થાપત્ય 150 વર્ષ જૂનું છે. મહાદેવના શરણમાં તહેવારોમાં લોકોની ભીડ ઉમટી પડે છે. મહારાજા જશવંતસિંહજીએ બનાવેલા જશોનાથ મહાદેવનું ખૂબ જ મહત્વ છે. જશોનાથ મહાદેવના શરણમાં આવતા તેમના ભક્તો પણ તેમના પર્ચાને લઈને વાત કરે છે.
પરચો ભક્તોની દ્રષ્ટિએ: ભોળાનાથ જશોનાથ મહાદેવની માનતા રાખ્યા બાદ મકાન વહેંચાઈ ગયું.નવું મકાન પણ લેવું હતું તે લેવાઈ ગયું છે. આમ જશોનાથ મહાદેવને સાચા મનથી કોઈ પણ માનતા રાખવામાં આવે તો સો ટકા પૂર્ણ થતી હોવાનું ભાવિ ભક્તો માની રહ્યા છે--દાદાના પરચાથી પ્રભાવિત(સંજયભાઈ પંડ્યા)
ક્યારે સ્થાપના થઇ જશોનાથ મહાદેવની: ભાવનગર શહેરની સ્થાપના સવંત 1723 વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના રોજ થઈ હતી. ત્યારબાદ ભાવનગર શહેર અસ્તિત્વમાં આવ્યું હતું. વડવા ગામનું તળાવ ગંગાજળિયા તળાવ તરીકે આજે ખૂબ પ્રચલિત છે. ત્યારે સવંત 1921માં મહારાજા જશવંતસિંહજી ભાવસિંહજી ઠાકોર સાહેબ દ્વારા ગંગાજળિયા તળાવની નજીક જશોનાથ મહાદેવની સ્થાપના કરી હતી. આ સ્થાપના પાછળ મુખ્ય હેતુ તેમના ગુરુ ભૈરવનાથ દાદાના કહેવા મુજબ પોતાના પિતૃઓના તર્પણ બાદ જશોનાથ મહાદેવની સ્થાપના થઈ હતી.
પ્રતિકૃતિની સ્થાપના: ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ નજીક આવેલા જશોનાથ સર્કલની બાજુના જશોનાથ મહાદેવની સ્થાપના પહેલા મહારાજા જશવંતસિંહજી ભાવસિંહજી ઠાકોર સાહેબ પોતાના પિતૃઓના તર્પણ માટે કાશી ગયા હતા. ત્યારે દર્શન કરીને સંકલ્પ લીધો હતો. પોતાના ગામમાં કાશીવિશ્વનાથની પ્રતિકૃતિ વાળા શિવાલયનું નિર્માણ કરશે. ભૈરવનાથ ગુરુના આદેશ મુજબ પિતૃઓના તર્પણ હેતુ કાશી વિશ્વનાથની પ્રતિકૃતિ સમાન ભાવનગરમાં જશોનાથ મહાદેવનું નિર્માણ સવંત 1921 અનવ અંદાજે ઇ.સ 1865માં કરવામાં આવ્યું હતું. જશોનાથ મહાદેવનું મંદિરનું નિર્માણ અને શિવલિંગ તેમજ તેનું થાળું કાશી વિશ્વનાથની પ્રતિકૃતિ ધરાવે છે. આથી જશોનાથ મહાદેવને ભાવનગરનું કાશી વિશ્વનાથ કહેવામાં આવે છે. તેમ પૂજારી પ્રવીણગિરી ગૌસ્વામીએ જણાવ્યું હતું.
અન્ય મંદિરો કરતા અલગ: ભાવનગરના જશોનાથ મહાદેવના મંદિરમાં બહારની તરફ ગણપતિના સ્થાને ભૈરવ દાદાને સ્થાન આપવામાં આવ્યું છે. આમ જોઈએ તો મોટાભાગના મંદિરોમાં દક્ષિણમાં ગણપતિ અને ઉત્તરમાં હનુમાનજી બિરાજમાન સામ સામે હોય છે. પરંતુ જશોનાથ મહાદેવ મંદિરમાં ભૈરવ દાદાનું મંદિર અને સામે હનુમાનજીને બિરાજમાન કરાવવામાં આવેલા છે. જે કાશી વિશ્વનાથની પ્રતિકૃતિ પ્રમાણે છે. મંદિરનું સ્થાપત્ય પણ કાશી વિશ્વનાથના મંદિરના સ્થાપત્ય પ્રમાણે કરવામાં આવેલું છે. 150 વર્ષ જૂના જશોનાથ મહાદેવ મંદિર સરકાર હસ્તક છે. પરંતુ તેને મરામતને લઈને સરકારના આંખ મીચામણાથી શિવ ભક્તો નારાજ રહ્યા છે.