ભાવનગર : ડુંગળી પકવવામાં પીઠું ગણાતા ભાવનગર જિલ્લાના ખેડૂતો માથે બે બાજુથી મુશ્કેલીઓ આવી પડી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં યાર્ડમાં અચાનક ડુંગળી નહીં લાવવા આદેશ કર્યા છે. ભાવનગર યાર્ડમાં મનાઈ છતાં વાહનો લઈને ખેડૂતો આવી પહોંચ્યા હતા. ખેડૂતો સાથે ચર્ચા કરીને ડુંગળી ઉતારવા યાર્ડનું તંત્ર સહમત થયું હતું. જો કે કેમ અચાનક આવક બંધ કરી અને ખેડૂત માથે બેવડી મુશ્કેલી કેમ જાણો.
યાર્ડના તંત્રએ જાહેર કર્યો પરિપત્ર : ભાવનગર યાર્ડમાં રોજની 1.30 લાખ ગુણીની આવક શરૂ થઈ ગઈ છે. એવામાં 8 તારીખના રોજ યાર્ડમાં આવક લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેની એક પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. ભાવનગર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અરવિંદભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે 8 તારીખે અગાઉનો માલ પડ્યો હોય જેનો નિકાલ કરીને આવતીકાલ નવો માલ યાર્ડમાં ન લાવવા વેપારી વર્ગ તરફથી જાણ કરવામાં આવી હતી. કારણ કે ટ્રાન્સપોર્ટેશનની હડતાળ શરૂ થવાનું કારણ રજૂ કરવામાં આવ્યું હતું. આથી અમે સોશિયલ મીડિયા મારફત ખેડૂતોને જાણ કરી હતી.
મનાઈ છત આવ્યા વાહનો મોટી સંખ્યામાં : ભાવનગર સહિત જિલ્લાના યાર્ડમાં ડુંગળીની નવી આવક નહિ લાવવા પર મનાઈ ફરમાવી હતી. આમ છત ભાવનગર યાર્ડમાં બહાર વાહનોની કતાર લાગી ગઈ હતી. વ્યાપારી અને ખેડૂત આગેવાન નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે હાલમાં અમે યાર્ડના સેક્રેટરી અને વ્યાપારી તેમજ ખેડૂત વર્ગ સાથે એક બેઠક યોજી છે. આમ તો નવી આવક લાવવા પર પ્રતિબંધ હતો.પરંતુ ઘણા ખેડુતો સુધી મેસેજ ન પોહચતા કેટલાક ખેડૂતો રાત્રે નીકળી ગયા હોવાથી બહાર 250 થી વધુ વાહનોની લાઇન લાગી ગઈ છે. આવી ગયેલા ખેડૂતોને ડુંગળી ઉતારવામાં સહમતી દર્શાવી હતી. પરંતુ હરરાજી આવતીકાલ સુધીમાં ટ્રાન્સપોર્ટની હડતાળના નિર્ણય સુધી શરૂ કરવામાં આવશે નહીં.
યાર્ડમાં ડુંગળીની આવક અને ખેડૂતોની બેવડી મુશ્કેલી : રાતના સમયે આવેલા ખેડૂતો સાથે વાતચીત કરતા જગુભાઈ ખેડૂતે જણાવ્યું હતું કે અમે ગઈકાલ રાતથી આવી ગયા છીએ. આખી રાત અહીંયા હતા અમને આ લોકો ડુંગળી ઉતારવા નથી દેતા નથી એક તરફ માવઠા જેવો માહોલ છે,તમે કાંઈક કરો. યાર્ડમાં રોજની 1 લાખ ગુણીની આવક શરૂ થઈ ગઈ છે. ભાવ 100 થી 350 વચ્ચે છે. ભાવોના પગલે ખેડૂતની દશા કફોડી હોવાના ખેડૂતોમાં ચર્ચા છે ત્યારે હવે યાર્ડમાં ડુંગળી ન લેવામાં આવતા ખેતરમાં રાખવાથી બગડવાનો ડર અને તેમાં પણ માવઠાની આગાહી વચ્ચે ખેડૂતોની સૂડી વચ્ચે સોપારી થઈ છે.