ભાવનગરઃ શહેરના પિલ ગાર્ડનમાં જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘે થાળીનાદ કરીને અનોખો વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત રાજ્યમાં આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા પડતર માંગણીઓને પૂરી કરવા માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આજે હડતાલના છઠ્ઠા દિવસે ભાવનગર આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા થાળીનાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારના કાન ખોલવા માટે આ થાળી નાદ કરવામાં આવ્યો હતો.
સતત વિરોધ પ્રદર્શનના કાર્યક્રમોઃ ગુજરાતમાં જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા 27 તારીખથી હડતાલ કરવામાં આવી છે. સરકાર સામે વિવિધ પડતર માંગણીઓને માટે રોજ નવતર કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ભાવનગરમાં પિલ ગાર્ડન ખાતે બહોળી સંખ્યામાં આંગણવાડી કર્મચારી બહેનો એક્ઠી થઈ હતી. આ બહેનોએ થાળીનાદ કર્યો હતો. આ થાળીનાદ બાદ આ પ્રકારના બીજા અનેક વિરોધ પ્રદર્શન હાથ ધરવા માટે જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘે મક્કમતા દર્શાવી છે.
લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી: શહેરમાં આંગણવાડી જિલ્લા કર્મચારી સંઘ દ્વારા છેલ્લા પાંચ દિવસથી નવતર કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જ્યારે છઠ્ઠા દિવસે પણ થાળી નાદ કરવામાં આવ્યો છે. જો કે આગામી દિવસોમાં હજુ નવતર કાર્યક્રમ થવાની પૂરી સંભાવનાઓ છે, ત્યારે જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ નેહલબેન સોલંકીએ જણાવ્યું હતું કે અમે બધી આંગણવાડી બહેનો હાલ છઠ્ઠા દિવસે થાળી નાદ કર્યો છે. તેમને આવનારી 2024 ની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
એકતાનું વાતાવરણઃ ભાવનગરમાં ઘટક એક અને બે એમ બે સંઘ વચ્ચેની વિચારધારાને પગલે આંગણવાડી બહેનોમાં અસમંજસતા હતી. જો કે હવે હડતાલમાં ક્યાંક ઘટક બેની બાકી રહી ગયેલી બહેનો પણ જોડાઈ રહી છે. જેથી વિરોધ પ્રદશન કરતી બહેનોની સંખ્યામાં વધારો થયો છે. આંગણવાડી કર્મચારી બહેનો આગામી સમયમાં પણ અવારનવાર વિરોધ પ્રદર્શન માટે અનોખા પ્રયોગ કરવાની છે.
અમારા આંદોલનને આજે છઠ્ઠો દિવસ છે અને અમે પિલગાર્ડનમાં વિરોધ કરવા માટે એકઠા થયા છીએ. અહીં બહોળી સંખ્યામાં બહેનોએ થાળીનાદ કરીને સરકારના કાન ખોલવા માટે વિરોધ નોંધાવ્યો છે. અમે આગામી દિવસોમાં પણ વિરોધ પ્રદર્શન કરતા રહીશું...ઈલાબેન ઓઝા(મહામંત્રી,જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ, ભાવનગર)
અમને ફૂલ ચડાવવામાં આવે છે, યશોદા એવોર્ડ આપવામાં આવે છે પણ અમારે પણ અમારા બાળકોનું પોષણ કરવાનું હોય છે. જેનું સરકાર ધ્યાન રાખતી નથી. સરકાર કંઈ પણ કામ હોય તો આંગણવાડી બહેનો પાસે કરાવે છે. સરકારે પણ આંગણવાડી કર્મચારી બહેનોનું ધ્યાન રાખવાની જરૂર છે...નેહલબેન સોલંકી(પ્રમુખ, જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ, ભાવનગર)