- વાવાઝોડા પહેલા તંત્ર દ્વારા મેડીકલ તેમજ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરાઈ
- પૂર સંભવિત વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું
- તમામ કર્મચારીઓને રજા પરથી પરત બોલાવી ફરજ પર કાર્યરત થવા આદેશો
ભાવનગર : હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે આગામી 16 મેના રોજ આવનાર સંભવિત વાવાઝોડાના પગલે જિલ્લાના તળાજા, મહુવા તેમજ ભાવનગર ગ્રામ્ય દરિયાકિનારાના વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વાવાઝોડા પહેલા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે યુદ્ધના ધોરણે મેડીકલ તેમજ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ખંભાળિયાના સલાયા બંદર ખાતે 500થી 600 બોટ દરિયા કાંઠે લાંગરી દેવાઈ
મેડીકલ ટીમ સાથે 108 એમ્બ્યુલન્સને એલર્ટ
ભાવનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા દરિયાકાંઠા વિસ્તારના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે તેમજ દરિયામાં માછીમારી નહીં કરવા માછીમારોને સુચના આપવામાં આવી રહી છે. આ ઉપરાંત વાવાઝોડા પહેલા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે ઘોઘા, કોળિયાક, તણસા, અલંગ, તળાજા, લોનગડી, મહુવા, કલસાર, સંચબંદર વિક્ટર દરિયાઈ વિસ્તારોમાં જરૂરી એવી મેડીકલ ટીમ સાથે 108 એમ્બ્યુલન્સને એલર્ટ કરી લેવામાં આવી છે.
પૂર સંભવિત વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું
ખાસ કરીને દરિયા કિનારના વિસ્તારોમાં અને પૂર સંભવિત વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. એમ્બ્યુલન્સમાં પુરતા પ્રમાણમાં ઓક્સિજન સહીત દવાઓનો જથ્થો રાખી દેવામાં આવ્યો છે. 108 એમ્બ્યુલન્સના તમામ કર્મચારીઓને રજા પરથી પરત બોલાવી ફરજ પર કાર્યરત થવા આદેશો આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: નવસારીમાં તૌકતે વાવાઝોડાની અસરને જોતા NDRFની ટીમ કરાઇ તૈનાત