જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સદંતર કથળી હોવાનો વધુ એક પૂરાવો મંગળવારની રાત્રે બનેલા બનાવ પરથી નોંધાયો છે. શહેરના ક્રેસન્ટ નજીક આવેલી એ.વી. સ્કુલ ગ્રાઉન્ડમાં ગત રાત્રિએ શહેરના કાળીયાબીડમાં રહેતા બ્રિજરાજસિંહ ગોહિલ અને દિવ્યરાજસિંહ ઝાલા નામના બે શખ્સો તેના મિત્ર યાસિન સાથે બેઠા હતા. તેમાં બંન્ને શખ્સોને તેના મિત્ર યાસિન સાથે કોઈ મુદ્દે તકરાર થતા બે પૈકીના એક શખ્સે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બનાવની જાણ થતાં ભાવનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બે પૈકી બ્રિજરાજસિંહ ગોહિલ નામના શખ્સની અટકાયત કરી હતી. જ્યારે દિવ્યરાજસિંહ ઝાલા ફરાર થઈ જવા પામ્યો હતો.
એટલું જ નહીં ઝડપાયેલા શખ્સો પાસેથી મળી આવેલી પિસ્તોલ અંગે પરવાનો ન હોવાનું અને તેની પાસે ગેરકાયદેસર કબ્જો ભોગવટાની પિસ્તોલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે મોડી રાતની આ ઘટનાને લઇને પોલીસ તરફથી કોઇ સત્તાવાર સમર્થન પ્રાપ્ત થયું નથી. એટલું જ નહીં, શહેરમાં મોડી રાત્રે થયેલી ફાયરિંગની ચકચારી ઘટનાને દબાવવા માટે પોલીસે તમામ બળ કામે લગાડ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, ફાયરિંગ કરનાર બે શખ્સો પૈકી એક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો જ્યારે અન્ય એક શખ્સ તેના વાહન સાથે ઝડપાઇ જતા ભાવનગર LCB અને SOG પોલીસ સંયુક્તપણે ઓપરેશન હાથ ધરીને એક શખ્સની અટકાયત કરી હતી. આ બનાવની જાણ થતાં ભાવનગર સીટી DYSP મનીષ ઠાકર SOG તથા LCB સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.