અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ હવે સ્માર્ટ બનવા જઈ રહી છે. જેના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચોંટા બજાર વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં ડિજિટલ સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ કરાયું હતું. ત્યારે તમામ શાળાઓમાંથી બ્લેક બોર્ડ હટાવી સ્માર્ટ બોર્ડ લગાવવાનું આયોજન કરાયું હતુ. સરકારી શાળાઓ તેના શિક્ષણના સ્તરને લઈને બદનામ હોય છે, પણ અંકલેશ્વરમાં સરકારી શિક્ષણ પદ્ધતિની વ્યાખ્યા બદલવા પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે.
ડિજિટલ સાઈન બોર્ડથી બાળકોને અભ્યાસ કરવામાં સરળતા અને અને ગ્રાફિક્સની મદદથી અભ્યાસમાં બાળકોની રુચી જળવાઈ રહે એ હેતુથી આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. શાળામાં લગાવવામાં આવેલા ડિજિટલ સ્માર્ટ બોર્ડને લઈને બાળકો અને તેમના પરિવારજનોએ પણ ખુશી વ્યક્ત કરી છે. આવનારા સમયમાં આ પ્રોજેક્ટ અંતર્ગત અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ 9 શાળાઓમાં આ પ્રકારના બોર્ડ મૂકી શાળાઓને સ્માર્ટ બનાવવામાં આવશે.
એક તરફ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાઓને લઈને શાળાઓ મર્જ કરવાની ફરજ પડી રહી છે, ત્યાં સરકાર આવા પ્રોજેકટ થકી શાળામાં બાળકોની સંખ્યા વધારવા પ્રયત્ન કરી રહી છે. પાયલોટ પ્રોજેકટ સફળ થાય તો તમામ શાળાઓમાં ડિજિટલ બોર્ડ લગાવવામાં આવશે. ત્યારે તંત્રનો આ પ્રયાસ આવકારદાયક કહી શકાય.