ભરૂચઃ લોકડાઉનનાં સમયમાં શાળાઓ વાલીઓને ફી ભરવા દબાણ ન કરી શકે તેવા સરકારના આદેશ બાદ પણ જિલ્લાની કેટલીક શાળાઓ વાલીઓને ફી ભરવા દબાણ કરી રહી હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારી એન.એમ.મહેતા દ્વારા જિલ્લાની તમામ શાળાને પરિપત્ર પાઠવી લોકડાઉનનાં સમયમાં વેપાર રોજગાર બંધ હોવાના કારણે આર્થિક તંગીનો સામનો કરી રહેલા વાલીઓ પર ફી ભરવા માટે દબાણ ન કરવા આદેશ આપ્યો હતો, તેમ છતા જિલ્લાની કેટલીક શાળાઓ દ્વારા વાલીઓને ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યાં અનુસાર કેટલીક શાળાઓ વાલીઓને લોભામણી સ્કીમ આપી ફી ભરવા દબાણ કરી રહી છે, તો કેટલીક શાળાઓમાં પુસ્તકો અને નોટબુકના નામે રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે, આવી શાળાઓ સામે પગલા ભરવાની NSUI માગ કરી છે, તેમજ જો માગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી એન.એમ.મહેતાએ ફી માટે દબાણ કરતી શાળાઓ સામે પગલા ભરવાની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લાની એક જાણીતી શાળા દ્વારા ખાનગી બેંક સાથે ટાયઅપ કરી બેંક દ્વારા વાલીઓને તેમના કસ્ટમર તરીકે ફી ભરવા માટે મેસેજ મોકલવામાં આવ્યા છે, અને ફી ભરવા માટે વિવિધ સ્કીમ પણ આપવામાં આવી છે.