ભરૂચ: ઝઘડિયામાં જમીન પર થયેલા દબાણ વચ્ચે સાંસદ મનસુખ વસાવા અને બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા આમને સામને આવી જતા જાહેરમાં ચર્ચા કરવા મનસુખ વસાવાએ છોટુ વસાવાને પત્ર લખ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા સામે જમીન પચાવી પાડવાના આક્ષેપો સાથેનું આવેદનપત્ર મુખ્યપ્રધાનને સંબોધીને આપ્યું હતું.
ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાના આ નિવેદનને હાસ્યાસ્પદ ગણાવી જણાવ્યું હતું કે ઝઘડિયાની 700 એકર ગોચરની જમીનમાં દબાણ થયું છે. સાંસદ પહેલા ખુલ્લું કરાવે અને તેમને જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંક્યો હતો. છોટુ વસાવાનાં આ આક્ષેપ સામે મનસુખ વસાવાએ આ અંગે તેમને એક પત્ર લખ્યો છે અને અને જાહેરમાં ચર્ચા કરવા માટે તૈયારી બતાવી છે. આ માટે તેમણે સોમવારના રોજ બપોરના 12 કલાકે વિવિધ ચાર સ્થળ પર આવવા માટે છોટુ વસાવાને આમંત્રણ આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લાના આદિવાસી બે કદ્દાવર નેતાઓ વચ્ચે જમીન પર ગેરકાયદે દબાણ બાબતે વિવાદ જોવા મળ્યો છે. બન્ને સામસામે જોવા મળી રહ્યા છે ત્યારે રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.