ભરૂચમાં પુરની પરિસ્થિતિએ ભારે તારાજી સર્જી છે. અંકલેશ્વર સહિત કાંઠા વિસ્તારોનાં ગામોમાં ખેડૂતો ભીંડા, તુરિયા, કારેલા, દુધી અને પરવર સહિતના શાકભાજીની ખેતી કરે છે. તાજેતરમાં નર્મદા નદીમાં આવેલ પૂરનાં પાણી ખેતરોમાં ફરી વળતા શાકભાજીનો મોટાભાગનો પાક નાશ પામ્યો છે અને હજુ પણ પાણી હોવાથી જે પાક બચ્યો છે તે માર્કેટ સુધી પહોંચી રહ્યો નથી. જેથી ભરૂચના માર્કેટમાં પાદરા અને નાસિક સહિતના વિસ્તારોમાં શાકભાજી આવી રહ્યું હોવાથી ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.
વિવિધ શાકભાજીના 1 કિલોનાં ભાવ પર નજર કરીએ તો, ટામેટાનો 1 કિલોનો ભાવ 20 થી વધીને 40 રૂપિયા, મરચાનો 1 કિલોનો ભાવ 40 થી વધીને 80 રૂપિયા, કોબીજનો 1 કિલોનો ભાવ 30 થી 40 રૂપિયા, દુધીનો 1 કિલોનો ભાવ 20 થી 40 રૂપિયા, ડુંગળીનો 1 કિલોનો ભાવ 15 થી 30 રૂપિયા, બટાટાનો 1 કિલોનો ભાવ 20 થી 30 રૂપિયા થયો છે. આ કારમી મોંઘવારીના સમયમાં ભરુચમાં શાકભાજીના ભાવો આસમાને પહોંચતા સામાન્ય વર્ગની હાલત કફોડી બની છે, ત્યારે આ સ્થિતિ સામાન્ય થાય તેવી સૌ કોઈ આશા રાખી રહ્યું છે.