ભરૂચઃ પ્રતિ વર્ષ તા.૨૫ મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને જન શિક્ષણ સંસ્થાનના સંયુકત ઉપક્રમે પંડિત ઓમકારનાથ ઠાકુલ હોલ ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.એમ.ડી.મોડીયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં રાષ્ટ્રીય મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સારી કામગીરી કરેલા શ્રેષ્ઠ બીએલઓ તથા મામલતદારને સન્માનિત કરાયા હતા. યુવા મતદાર મહોત્સવ અંતર્ગત રજૂ થયેલી કૃતિઓના વિજેતાઓને ચેક તથા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
આ ઉપરાંત સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમમાં સૌથી વધુ સક્રિય શાળાને સન્માનિત કરાયા હતા. સાથે સાથે દિવ્યાંગ તથા સિનિયર સિટીઝન મતદારોનું શાલ ઓઢાડી કલેક્ટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવા નોંધાયેલા યુવા મતદારોને ઓળખકાર્ડ પણ આપવામાં આવ્યા હતા અને અધિક કલેક્ટર જે.ડી.પટેલ સહિતના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં અંતે મતદાન અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.