અંકલેશ્વરઃ અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલને કોવિડ–19 હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. ગત 10 એપ્રિલથી આ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જેમાં અંકલેશ્વર તેમજ તેની આસપાસના વિસ્તારના અનેક તબીબો તેમજ આરોગ્યાકર્મીઓ સારવાર આપી રહ્યાં છે.

આજ રોજ હોસ્પિટલમાં છેલ્લા 14 દિવસથી ફરજ બજાવી ડૉ. ઝરીયાબ મલિક ઘરે પરત ફર્યા હતા. તેઓના નિવાસ સ્થાન ભાગ્યોદય સોસાયટી ખાતે તેઓના પિતા તેઓને લઈને આવ્યા ત્યારે સોસાયટીના તમામ રહીશોએ ફૂલહારથી તેઓનું સ્વાગત કર્યું હતું અને હિંદુ-મુસ્લિમ તમામે ભેગા મળીને તેઓને તાલીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતાં.
ડો. ઝરીયાબ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યાં છે, ત્યારે સહુએ તેમના પ્રત્યે ગૌરવની લાગણી અભિવ્યક્ત કરી હતી. આવી જ રીતે અંકલેશ્વર તાલુકાના નાંગલ ગામ ખાતે રહેતી અને જયાબહેન મોદી હોસ્પિટલમાં લેબ ટેકનીશીયન તરીકે ફરજ બજાવતી દ્રષ્ટિ પટેલ ઘરે પરત આવતા ગ્રામજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોએ ગૌરવની લાગણી અનુભવી હતી.