ભરૂચ: ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદથી ફરજ બજાવી પરત ફરેલા SRPના ચાર જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રવિવારે SRPના 2 જવાનોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ વધુ ચાર જવાનોને કોરોના પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદ ખાતે ફરજ પર ગયેલા વાલિયાના રૂપનગર SRP કેમ્પના 28 વર્ષીય જવાન રાજેન્દ્રસિંહ છાલા, 24 વર્ષીય હાર્દિક ચૌધરી, 30 વર્ષીય ગણપત ઘાંચી અને 26 વર્ષીય પંચાભાઈ ચૌધરી તારીખ 21 મેના રોજ પરત વાલિયા આવ્યા હતા. જ્યાં તેઓનું સ્ક્રિનીંગ કરાયા બાદ તેમના રિપોર્ટ લેવામાં આવ્યા હતા. જેમાં તેઓને કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ સાથે જ ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 44 પર પહોંચી છે. જે પૈકી 3 દર્દીના મોત થયા છે. જ્યારે 34 દર્દી સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં હવે કોરોના વાઈરસના 7 કેસ એક્ટિવ છે.