ઝઘડીયા પોલીસે રદ્દ થઇ ગયેલી રૂપિયા 1.50 લાખની જૂની ચલણી નોટ સાથે ચાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને બાતમી મળી હતી કે, રાજપારડીથી કડિયા ડુંગર જવાના માર્ગ પર એક કારમાં કેટલાક ઇસમો ભારત સરકારે રદ્દ કરેલી રૂપિયા 1 હજાર અને 500ના દરની જૂની ચલણી નોટની હેરાફેરી કરી રહ્યા છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવતા એક કારમાંથી પોલીસે રદ્દ થઇ ગયેલી રૂપિયા 500ની 100 અને 1 હજારની 100 ચલણી નોટ મળી કુલ રૂપિયા 1.50 લાખનું ચલણ મળી આવી હતી.
પોલીસે કારમાં સવાર સારસા ગામના રહેવાસી શાંતિ જયરામ વસાવા, રાજપારડીનાં રહેવાસી વિજય વસાવા, અંદાડાનાં રહેવાસી સંજય પટેલ અને પ્રતાપ નગરના રહેવાસી દક્ષેશ પટેલની અટકાયત કરી હતી. તેઓ પાસેથી ચાર મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા 5.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ જૂની ચલણી નોટ ક્યાંથી લાવ્યા હતા અને તે ક્યાં લઇ જવાના હતા એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસ શરુ કરી છે.