ભરૂચ: જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસ્યા બાદ ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાયા છે, પરંતુ ખેડૂતોએ ખાતર માટે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જિલ્લામાં ખાતરની અછત સર્જાતા ભૂમિપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આ વચ્ચે ઝઘડીયા અને નેત્રંગમાં ખાતર લેવા માટે ખેડૂતોએ લાંબી લાઈન લગાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા બાદ જંબુસરના કાવી ગામે પણ ખાતર ખરીદવા ખેડૂતો લાંબી લાઈનમાં ઉભા રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ખાતરનો પુરતો જથ્થો અને ખાતરનો સ્ટોક ન હોવાથી ખેડૂતોને ધક્કા ખાવા સાથે ખેતીને નુકસાન થતુ હતું. જેથી પરેશાન ખેડૂતોએ આજે ગુરૂવારે સવારે 5 કલાકથી કાવી જીનમાં ખાતરની ખરીદી માટે લાંબી કતારો સાથે જોવા મળ્યા હતાં. આ સાથે-સાથે ખાતરની ખરીદીમાં ખેડૂતો સોશિયલ ડિસ્ટન્સનો ભાન ભૂલ્યા હતાં, ત્યારે તંત્ર ખેડૂતોને ખાતર સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરી આપે તે જરૂરી છે.