ભરૂચ : અંકલેશ્વર તાલુકાના એક ગામમાં દોઢ વર્ષથી બહેનના ઘરે રહેતી નાબાલિગ બાળકી પર તેના સગા જીજાએ દાનત બગાડી હતી. નરાધમ જીજાએ 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. બહેન નોકરી પર જતા અવારનવાર સગા જીજાએ સાળીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. બાદમાં બાળકી દિલ્હી પરિવાર પાસે રહેવા ગયા બાદ પેટમાં દુખાવો થતા દિલ્હી સિવિલ ખાતે તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલના તબીબે સગીરાને ગર્ભ રહી ગયો હોવાનું જણાવતા જીજાનો ભાંડો ફૂટયો હતો. તો જમાઈની આવી કરતૂતો સાંભળી સાસરી પક્ષમાં પરિવારના પગ તળે જમીન ખસી ગઈ હતી.
નરાધમ જીજા : બનાવની મળતી વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના એક ગામમાં રહેતા પરપ્રાંતીય પરિવારમાં મોટી બહેન સાથે રહેવા માટે દિલ્હીના એક વિસ્તારમાંથી સગીરા ગત 22 જૂન 2022 ના રોજ આવી હતી. રોજગારી અર્થે અંકલેશ્વરના એક ગામમાં સ્થાયી થયેલા પરિવારમાં પતિ-પત્ની બંને નોકરી કરતા હતા. ત્યારે પત્ની નોકરી પર જતા સગીરાની એકલતાનો લાભ લઈ જૂન 2023 સુધી જીજાએ અવારનવાર 15 વર્ષીય નાબાલિગ સાળી પર દાનત બગાડી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે આ વાતે કોઈને ન જણાવવા જીજાએ નાબાલિગ સાળીને માર-મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
સગી સાળી પર બળાત્કાર : ત્યારબાદ સગીરા દિલ્હી ખાતે પરીવારજનો પાસે પરત ગઈ હતી. એક દિવસ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેને સારવાર અર્થે દિલ્હીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સીવીલના તબીબે ગર્ભ રહી ગયું હોવાનું જણાવતા જીજાની કાળી કરતૂત અને એક વર્ષની પાપલીલા છતી થઈ હતી. જોકે દિલ્હી પોલીસે સગીરાની આપવીતી સાંભળી અને ઘટનાની ગંભીરતાને પારખી તાત્કાલિક ધોરણે ઝીરો નંબરની એફ.આઇ.આર નોંધી તપાસને સંબંધિત પોલીસ મથકે ટ્રાન્સફર કરી હતી.
આરોપી જબ્બે : અંકલેશ્વર રૂરલ પોલીસે તાત્કાલિક આરોપી શ્રીરામ સામે ઇ.પી.કો કલમ 376, 323, 506 તથા પોક્સો એક્ટ કલમ 6 મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી શ્રીરામની અટક કરી કોવિડ ટેસ્ટ કરાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ અંગે ઇન્વેસ્ટિગેટિવ યુનિટ ફોર ક્રાઇમ અગેઇન્સ્ટ વુમનની ટીમના એસ.આર.ગાવીત વધુ તપાસ ચલાવી રહ્યા છે.